ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલું ગુજરાત મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજના અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય
રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે અને એટલે જ ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી કરવા અને તેને ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003-04માં ‘સોઇલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.ઉલ્લેખનીય છે કે, સોઇલ હેલ્થ કાર્ડ યોજના અને તેના ફાયદાઓ વિશે જાગરૂકતા લાવવા માટે ભારત દર વર્ષે 19 ફેબ્રુઆરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરે છે.
સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીને, સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વો નું પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેને આધારે ખેડૂતોને કયા પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની વૈજ્ઞાનિક ભલામણ સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે મળી શકે છે. આ પ્રક્રિયાથી બિનજરૂરી કેમિકલયુક્ત ખાતરોના અતિશય ઉપયોગ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં સહાય મળે છે.

ગુજરાતમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું વ્યાપક અમલીકરણ
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વર્ષ 2003-04માં લોન્ચ થયેલી આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને તેમની જમીનની સ્થિતિ અંગે વ્યાપક માહિતી પૂરી પાડીને તેમને સશક્ત કરવાનો હતો. યોજના લાગુ કર્યા પછી, જઇંઈ યોજનાનો પ્રથમ તબક્કો 2003-04થી 2010-11 દરમિયાન અને બીજો તબક્કો 2011-12થી 2015-16 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને અને દ્વિતીય તબક્કામાં આશરે 46.92 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે આપવામાં કરવામાં આવ્યા. ગુજરાતમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી. જે અંતર્ગત તૃતીય તબક્કામાં વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં ભારત સરકારની યોજના હેઠળ રાજ્યના 1.25 કરોડથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે.
‘સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખાતરનો ખર્ચ ઘટ્યો ને ઉપજમાં થયો વધારો ’
છેલ્લા એક દાયકામાં આ યોજનાને કારણે ખેડૂતો તેમની જમીનમાં રહેલી મુખ્ય ખામીઓથી વાકેફ થયા છે અને સાથે જ સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ પણ વધાર્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાં રહેતા બાબુભાઈ વસરામભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું કે, જઇંઈ યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેને અનુસરવાને પરિણામે તેમને ખાતરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી હતી. આ પહેલથી તેમને પાકની વધુ સારી ઉપજ મળી અને ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો.