ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના બહાને ગુજરાત સરકાર પાછલા બારણે દારૂબંધી નાબૂદીનો ખેલ ખેલી રહી હોય તેવુ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ અપાઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે ખુદ સરકારે જ સ્વીકાર્યું છે કે, વર્ષમાં ગિફ્ટ સિટીમાં કુલ મળીને 24,000 લિટર બીયર અને વિદેશી દારૂ પીવાયો છે.

તા.30મી ડિસેમ્બર,2023 માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવા સરકારે છૂટછાટ આપી હતી. ગિફ્ટ સિટીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઈન એન્ડ ડાઈન સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારની દલીલ છે કે, ગિફ્ટ સિટીને વૈશ્વિક બિઝનેસ હબ તરીકે વિકસવવા નક્કી કરાયુ છે ત્યારે વિદેશી કંપનીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે દારૂ પીવાની છૂટ અપાઇ છે.
છેલ્લાં એક જ વર્ષમાં ગિફ્ટ સિટીમાં કેટલો વિદેશી દારૂ-બીયર વેચાયો તે અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે સરકારે ખુલાસો કર્યો કે, વેસ્ટર્ન ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ અને ધ ગ્રાન્ડ મરક્યુરીને ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવ્યાં છે.
ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ સરકારે ફળ્યુ છે તેનુ કારણ એ છે કે, ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને રૂ.94.19 લાખની આવક થઇ છે. ગિફ્ટ સિટીમાં 19,915 લિટર બીયરનું વેચાણ થયું છે જ્યારે 3324 લિટર વિદેશી દારૂ વેચાયો છે. કુલ મળીને 23,907 લિટર બીયર-વિદેશી દારૂ પીવાયો છે.
એવી ચર્ચા છે કે, ગિફ્ટ સિટી બાદ સુરતમાં ડાયમંડ બુર્સ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો-શહેરોમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા હેઠળ દારૂનું સેવન કરવાની મંજૂરી આપવા વિચારણા ચાલી રહી છે. ટૂંકમાં, ખુદ સરકાર જ ઉદ્યોગોના બહાને હળવેકથી દારુબંધી નાબૂદીની રમત રમી રહી છે. સ્ટાર હોટલોને પણ દારૂના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂનું વેચાણ કરતી સ્ટાર હોટલ-રિસોર્ટની સંખ્યા પણ વધી રહી છે.