ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતા ઘણાં ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા હતાં. કશ્મીરમાં મોરારીબાપુની કથા સાંભળવા ગયેલા વડોદરાના 20 પરિવારના 23 લોકો 10 દિવસથી ફસાઈ ગયાં હતાં, જેઓ આજે (26 એપ્રિલ) પરત વતન ફર્યા છે. તમામ લોકો ગતરોજ (25 એપ્રિલ) કટરાથી તંત્રએ સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડ્યા હતાં. આજે વડોદરા પહોંચી પરિજનને મળતા અનેકની આંખોમાં આસુ આવી ગયાં હતાં. બાળકો આ ઘટનાથી ડરી ગયા હોવાથી ઘરે જવાની જીદ કરતા હતા. પરિવારજનો પણ તેઓને લેવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ખુશીના આસું સાથે બોલતા નજરે પડ્યા કે, ફાઈનલી વતન પહોંચી ગયા.
તો બનાસકાંઠાના પાલનપુરના 20 પ્રવાસીઓ માદરે વતન પહોંચતા ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતાં. મીરાં દરવાજા વિસ્તારમાં પ્રવાસીઓની બસ પહોંચતા પરિવારજનો તેઓને ભેંટી પડ્યા હતાં અને આંખોમાંથી હરખના આંસુ છલકાયા હતાં.