ગાંધીધામ ટુડે | નેશનલ ડેસ્ક
1 મે, 2025થી દેશમાં અનેક ક્ષેત્રોમાં નવા નિયમો અને દરો લાગુ થયા છે, જે સામાન્ય નાગરિકના રોજિંદા જીવનને સીધું અસર કરે છે. આ ફેરફારોથી કેટલાક સ્થળે ખિસ્સા ઉપર ભાર પડ્યો છે, તો ક્યાંક રાહતની લાગણી પણ થઇ છે. આ લેખમાં અમે તમને એ 5 મોટા ફેરફારો વિશે માહિતી આપીશું, જે આજેથી અમલમાં આવ્યા છે.
દૂધના ભાવમાં વધારો – રોજિંદા જીવન માટે સીધી અસર
દરરોજની જરૂરીયાતોમાંથી એક દૂધ હવે મોંઘું થયું છે. અમૂલ, જે ભારતનું સૌથી મોટું દુધ ઉત્પાદક સંસ્થા છે, તેણે દૂધના વિવિધ પ્રકારોના ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. દૂધના ભાવમાં આ વધારો આજથી એટલે કે 1 મે, 2025થી અમલમાં આવ્યો છે.
આ વધારો અમૂલ તાઝા, અમૂલ ગોલ્ડ, બફેલો મિલ્ક, ચાય માઝા સહિતના વિવિધ પ્રકારના દૂધ માટે લાગુ પડશે. મધર ડેરી અને વેરકા બ્રાન્ડ્સે પહેલેથી જ ભાવ વધારો કર્યો હતો, જેને હવે અમૂલે પણ અનુસરી લીધું છે. આનો સીધો અસર ઘરના બજેટ પર પડવાનો છે – ખાસ કરીને તે middle-class પરિવારો માટે, જેમના રોજિંદા નાસ્તા, ચા અને બાળકોના પોષણમાં દૂધ અગત્યની ભૂમિકા ભજવે છે.

ATMમાંથી રકમ ઉપાડવો હવે વધુ મોંઘો
આજથી ATMમાંથી રકમ ઉપાડવાનું પણ મોંઘું બન્યું છે. RBIએ બેંકોના વધતા ખર્ચને ધ્યાને લઇને ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. હવે કોઇ ગ્રાહક જ્યારે પોતાનાં ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પછી પૈસા ઉપાડશે ત્યારે તેને ₹23 ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં ₹21 હતો.
આ નવા નિયમ પ્રમાણે:
તમારી પોતાની બેંકના ATMમાંથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત રહેશે
મેટ્રો શહેરોમાં અન્ય બેંકના ATM પર 3 મફત ટ્રાન્ઝેક્શન
નોન-મેટ્રો શહેરોમાં અન્ય બેંકના ATM પર 5 મફત ટ્રાન્ઝેક્શન
આ લિમિટ પછી દરેક ઉપાડ માટે ₹23 ચૂકવવા પડશે. સામાન્ય ગ્રાહકો માટે આ નાનો ફેરફાર લાગતો હોય, પણ મોટાભાગના લોકોએ ATMનો સતત ઉપયોગ કરતા હોય છે, જેના કારણે માસિક ખર્ચ વધે છે.

ટ્રેન વેઇટિંગ ટિકિટ ધરાવનાર માટે નિયમ કડક
ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં વેઇટિંગ ટિકિટ ધરાવનારા મુસાફરો હવે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી નહીં કરી શકે.
ટ્રેનમાં ખાલી બેઠકો ન હોવા છતાં લોકો વિતારણા વગર કોચમાં ચઢી જાય છે, જેને કારણે કન્ફર્મ ટિકિટ ધરાવનારને હાલાકી પડતી હતી.
હવે, આવા મુસાફરો જો ટ્રેનમાં જોવા મળે તો રેલવે તેમની સામે દંડનો કાર્યક્રમ અમલમાં લાવશે:
AC કોચમાં પકડાય ત્યારે ₹440 દંડ
સ્લીપર કોચમાં પકડાય ત્યારે ₹250 દંડ
સાથે સાથે ટ્રેનના શરૂ થનાર સ્ટેશનથી પકડાતા સ્થળ સુધીનું ભાડું પણ વસૂલ કરાશે
આના સાથે એક નવો નિયમ પણ લાગુ થયો છે – હવે IRCTC એપ કે વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવતી વખતે મોબાઈલ OTP વડે વેરિફિકેશન ફરજિયાત રહેશે. આથી બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹17 સસ્તો
જ્યાં દૂધના ભાવ વધ્યા છે, ત્યાં કોમર્શિયલ ગેસના ભાવ ઘટ્યા છે. 19 કિલો વજન ધરાવતું કોમર્શિયલ સિલિન્ડર હવે ₹17 સસ્તું થયું છે. નવી કિંમતો મુજબ:
દિલ્હી: ₹1747
કોલકાતા: ₹1851.50
મુંબઈ: ₹1699
ચેન્નઈ: ₹1906.50
આમ છતાં, ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઘરેલુ 14.2 કિલોનો સિલિન્ડર દિલ્હીમાં ₹853 અને મુંબઈમાં ₹852.50 દરે યથાવત છે. રાંધણગેસનો સસ્તો થવો ખાસ કરીને હોટલ્સ, કેન્ટીન, બેકરી અને નાના રેસ્ટોરન્ટ માટે લાભદાયક છે.

પ્રાદેશિક ગ્રામિણ બેંકોનું વિલીનીકરણ – બેંકિંગ વ્યવસ્થામાં ફેરફાર
‘એક રાજ્ય, એક આરઆરબી’ નીતિ અંતર્ગત 26 પ્રાદેશિક ગ્રામિણ બેંકોનું વિલીનીકરણ આજથી અમલમાં આવ્યું છે. આ મર્જરનો હેતુ બેંકોના સંચાલન ખર્ચમાં ઘટાડો કરવો અને સેવાઓમાં સુધારો કરવાનો છે.
ગુજરાતમાં ‘બરોડા ગુજરાત ગ્રામિણ બેંક’ અને ‘સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક’નું મર્જિંગ કરીને ‘ગુજરાત ગ્રામિણ બેંક’ની રચના કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક વડોદરામાં છે અને તે બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત છે.
આ સિવાય, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પણ આ મર્જિંગની પ્રક્રિયા શરૂ થઈ છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ સમગ્ર યોજના પર 6 મેના રોજ સમીક્ષા બેઠક બોલાવી છે.
આ મર્જર બાદ દેશભરમાં આરઆરબીની સંખ્યા 43થી ઘટીને 28 થશે, જેના કારણે નાગરિકોને વધુ ટકાઉ અને સુવ્યવસ્થિત બેંકિંગ મિડિયમ મળશે.