ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના પ્રયાસોને બિરદાવવા ભુજ ખાતે આવેલી કચ્છ યુનિવર્સિટીમાં 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જાણીતા હોટેલિયર અને પર્યાવરણ પ્રેમી હેમલ માણેકનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
તેમની સંસ્થા, શાંતિનિકેતન ટ્રસ્ટ – ભુજ દ્વારા પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી બદલ આ સન્માન કરાયું છે. આ ટ્રસ્ટ દ્વારા કચ્છ જિલ્લાની 500થી વધુ શાળાઓમાં વૃક્ષારોપણ અને ટપક સિંચાઈ (ડ્રીપ ઈરીગેશન)ની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઉપરાંત, બી.એસ.એફ. (BSF) અને આર્મી કેમ્પમાં પણ ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવામાં આવી છે.
વધુમાં, શાંતિનિકેતન ટ્રસ્ટ દ્વારા સા.વ. રેન્જ ભુજમાં આવેલા નાગોર ગામમાં 14,000 રોપાના વનીકરણ પ્લોટમાં ડ્રીપ ઈરીગેશન દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. આ તમામ પ્રયાસો પર્યાવરણ સંરક્ષણ અને જળ સંચય માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. હેમલ માણેક અને શાંતિનિકેતન ટ્રસ્ટના આ પ્રયાસોને વન મહોત્સવમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
આ સન્માન એ દર્શાવે છે કે સમાજના દરેક વર્ગના લોકો પર્યાવરણના જતન માટે યોગદાન આપી રહ્યા છે, અને આ પ્રકારના કાર્યો અન્ય લોકોને પણ પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા પૂરી પાડશે.