કામચટકા, રશિયા: રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં આજે વહેલી સવારે 8.7ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાપાન અને અમેરિકા સુધી સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હતું, જેણે સુનામીના ખતરાને વધુ વધાર્યો છે.
આ ભૂકંપને 1952 પછી કામચટકા ક્ષેત્રમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.
સુનામીની વ્યાપક ચેતવણી
This Article Includes
ભૂકંપ બાદ રશિયાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત અમેરિકાના કેલિફોર્નિયા અને જાપાન સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર (લગભગ 10 ફૂટ) ઊંચા મોજા ઉછળી શકે છે, જે ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ નોતરી શકે છે. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ મોજા પહોંચી ગયા હોવાના અહેવાલો પણ મળ્યા છે.
કામચટકા ક્યાં આવેલું છે?
કામચટકા એ રશિયાનો એક દ્વીપકલ્પ છે, જે રશિયાના દૂર પૂર્વીય ભાગમાં આવેલો છે. તે સાઇબેરિયાના પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગરના કાંઠે સ્થિત છે. ભૌગોલિક રીતે, તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું છે. આ પ્રદેશ તેની જ્વાળામુખી પ્રવૃત્તિ અને ભૂકંપ માટે જાણીતો છે.
સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.