ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પીજીવીસીએલ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલી યોજના અનુસાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર મુકવા માટે નક્કી કરવામાં આવ્યુ હતુ પરંતુ મીટરમાં વધુ બીલ આવતુ હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તેનો વિરોધ થતા થોડો સમય વિરામ લેવાની ફરજ પડી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતા જ ફરી એક વખત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મુકવાની કામગીરી શરૂ કરી દેવા માટે તૈયારી રાખી હોય તેવા સંકેત મળી રહ્યાં છે.

સુત્રોના દાવા મુજબ પ્રથમ તબક્કે તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આવા વીજ મીટર મુકવામાં આવશે. આ મુજબ કોર્પોરેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત સહિત વિવિધ સ્થળો પર આવા મીટર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ ગ્રાહકોને ત્યાં પણ આ જ સ્માર્ટ વીજ મીટર મુકવામાં આવશે જેમાં ગાંધીધામમાં અંદાજે 97 હજાર જેટલા ગ્રાહકોને ત્યાં આવા સ્માર્ટ મીટર મુકવાની ગણતરી છે.