ગાંધીધામ ટુડે, ન્યુઝ : આદિપુરમાં બિરાજતા શ્રી નિર્વાસિતેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ (૧૯૭૮ વર્ષ થી) આ વર્ષે પણ મહાશિવરાત્રીનો પવિત્ર ઉત્સવ તા. ૨૬-૦૨-૨૦૨૫ને બુધવારના રોજ ભક્તિભાવથી ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિવરાત્રિ પર્વ તારીખ 25 અને 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.ગતરોજ ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા શિવ મંદિરથી શરૂ કરીને નગરની પરિક્રમા કરી શિવ મંદિરમાં પરત ફરી હતી,જેમાં ધાર્મિક રથ સાથે બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.દરેક ધાર્મિક રથને અને વેશભૂષામાં ભાગ લેનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આજરોજ શિવરાત્રીના દિવસે મંદિર સવારે ચાર વાગ્યાથી લઈને સતત ભક્તજનો માટે ખુલ્લુ રહેશે. આજરોજ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.75 વર્ષ કરતા પણ વધારે પૌરાણિક આ શિવ મંદિર પ્રત્યે ભક્તોમાં ભારે આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. શિવરાત્રી સિવાયના દિવસોમાં પણ નિયમિતપણે આ મંદિરમાં શિવભક્તો આવે છે.જ્યારે મહાશિવરાત્રીના પર્વમાં સમગ્ર શહેરમાંથી ભાવિકો દર્શન કરવા માટે અહીં આવે છે.આજરોજ પાંચ પ્રહરની વિશેષ પૂજા-આરતી, મહામૃત્યુંજય યજ્ઞ,મહાપૂજન, ધ્વજારોહણ, જાગરણ અને ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ઓમ શિવ મંડળી આદિપુરના હોદ્દેદારો,સભ્યો અને કાર્યકરો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવે છે.