ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ રાજ્યમાં સતત વધી હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે કચ્છના ભચાઉમાં એક ટ્રક ચાલકે કારને ટક્કર માર્યા બાદ બાઇકચાલકને અડફેટે લેતાં યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનાના સી.સી.ટી.વી સામે આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે ત્રિપલ અકસ્માત સર્જતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે રેતી ભરેલો ટ્રક સામે આવી રહ્યો હતો. જેણે કાર ચાલકને અડફેટે લીધા બાદ બાઇક સવારને પણ અડફેટે લીધો હતો. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ટોળું એકઠું થઇ ગયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે બાઇકચાલકના મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.