ગાંધીધામ ટુડે ન્યુઝ, હાલ અમદાવાદમાં બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા જે.આર. મોથાલિયા કચ્છમાં પણ બોર્ડર રેન્જ આઈજી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. કારર્કીદીની શરૂઆત 1996માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે થઇ હતી. તેમણે બનાસકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, મહેસાણા, અમદાવાદ શહેર વગેરે શહેરો-જિલ્લામાં ફરજ બજાવેલી છે.
ખાસ કરીને, પંચમહાલ અને મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોમી અને રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં સારી કામગીરી કરેલી. 1992માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટનાં ઉપયોગમાં લેવાયેલાં હથિયારો પોરબંદરના ગોસાબારાથી પકડેલાં અને મમુમિંયા-પંજુમિંયા કેસના તપાસ અધિકારી તરીકે તેમણે કામગીરી કરી લેન્ડિંગ થયેલા હથિયારો રીકવર કર્યા હતા. ગોધરા હુલ્લડ કેસો સંદર્ભે સુપ્રીમ કૉર્ટના સીધા દેખરેખ હેઠળ ખાસ તપાસ દળમાં તેમણે ઈન્વેસ્ટીગેશન ઑફિસર તરીકે મહત્વની કામગીરી કરી હતી.

રેન્જ આઈજી મોથલીયાએ પશ્ચિમ રેલવેમાં ડીઆઈજી તરીકે ફરજ દરમિયાન વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનના ચર્ચાસ્પદ ખૂન કેસની તપાસ કરી દસ વર્ષ બાદ મુખ્ય આરોપીને પકડી સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો હતો. એ જ રીતે, મહેસાણા જિલ્લામાં પાટીદાર આંદોલન સમયે પણ તેમણે મજબૂત કાર્યવાહી કરી પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી. તેમણે અમદાવાદ શહેર ટ્રાફિક શાખામાં ટ્રાફિક નિયમન માટે ભગીરથ પ્રયાસ કર્યા હતા. તદુપરાંત કોમ્પ્રીહેન્સિવ મોબીલીટી પ્લાન, હાઉસલોડ્ સર્વે, પાર્કિંગ ડીમાન્ડ સર્વે, ટોઈંગ ઓપરેશન, હેન્ડ હેલ્ડ ડિવાઈસીસ, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ, બીઆરટીએસ કોરીડોર વગેરે અલગ અલગ પ્રોજેક્ટમાં સુચારુ કામગીરી કરી હતી.

બોર્ડર રેન્જના આઈજી તરીકે તેમના કાર્યક્ષેત્રમાં આવતા ચાર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ અસામાજિક બદીઓ દૂર કરવાની તેમજ સરહદી વિસ્તારોમાં આવેલા ગામડાઓની ખાસ વિઝીટ કરી સરહદી વિસ્તારના લોકોને પોલીસ મિત્ર બનાવી, આંતરિક સુરક્ષા વધારવા ખૂબ જ પ્રયત્નશીલ રહી હાલ આ કામગીરી તેમના સુપર વિઝન હેઠળ થઇ હતી.