ગાંધીધામ ટુડે, ન્યૂઝ: અંજાર તાલુકાના એક ગામમાં ૮૦ વર્ષની અશક્ત માતા પર ૫૦ વર્ષના હવસખોર દારૂડિયા પુત્રએ આચરેલાં દુષ્કર્મની ઘટના હવે હત્યામાં પલટાઈ છે. પુત્રએ આચરેલાં પાપના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલી વૃધ્ધ માતાએ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બેહોશીની હાલતમાં આજે સવારે સાડા આઠના અરસામાં વેન્ટિલેટર પર દમ તોડી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરીની રાત્રે નવ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આરોપી દારૂ પીધેલી હાલતમાં હોઈ પોલીસે શરૂમાં તેની સામે દારૂ પીવા સબબ ગુનો નોંધી અટક કરી હતી. બાદમાં બીજા દિવસે રાત્રે આરોપીના નાના ભાઈની પત્નીએ ક્રૂરતાપૂર્વક હુમલા સાથે દુષ્કર્મ ગુજારવા સબબ ફરિયાદ નોંધાવી હતી.
અંજાર પોલીસે જણાવ્યું કે અમે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવા સાથે ગુનાકામે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે. સગી જનેતાને હવસનો શિકાર બનાવનાર પુત્ર સામે સમાજમાં સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. ત્યારે અંજાર બાર એસોસિએશન સાથે જોડાયેલાં ધારાશાસ્ત્રીઓએ પણ આ જઘન્ય અપરાધના આરોપી પુત્રનો કેસ નહીં લડવા સંકલ્પ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.