ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભુજમાં અગાઉ મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવી ગયેલા આનંદ બી. પટેલ કચ્છના નવા કલેક્ટર બન્યા છે અને જિલ્લાના વર્તમાન કલેક્ટર અરોરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા છે.

2010ની બેચના સનદી અધિકારી એવા અગાઉ ભુજના મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા આનંદ બાબુલાલ પટેલ કચ્છના 45મા નવા કલેક્ટર બન્યા છે. જેઓ હાલે ગુજરાત સરકારના નાણાં વિભાગ(બજેટ)માં ગાંધીનગર ખાતે અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા.
કચ્છમાં કલેક્ટર તરીકે દિલીપ રાણાની બદલી બાદ 44મા નવા કલેક્ટર તરીકે અમિત અરોરા આવ્યા હતા, જેમણે જિલ્લામાં 1 વર્ષ અને 11 મહિના જેટલા સમય સુધી ફરજ બજાવી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અધિક સચિવ અશોક દવેએ તા.04-03-2025ના બદલીના કરેલા સિંગલ આદેશમાં કચ્છના વર્તમાન કલેક્ટર અમિત અરોરાને નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા છે.