ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પક્ષના મોવડી મંડળ દ્વારા વર્તમાન પ્રમુખ દેવજીભાઈ હીરાભાઈ વરચંદની પસંદગી અવિરત રાખીને તેમના શિરે પુન: આ જવાબદારી મુકાઈ હતી. ફરી નિમણૂક બાદ દેવજીભાઈ વરચંદે સંગઠનાત્મક કાર્યોની તીવ્રતામાં વધારો કરીને લોકોનાં વધુ ને વધુ કાર્યો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લા એકમ અને અન્ય એકમોના પ્રમુખોની વિધિવત ઘોષણા કરાઈ હતી. પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સાથે સંકલન કર્યા બાદ કચ્છ જિલ્લા ભાજપના ક્લસ્ટર ઈન્ચાર્જ રાજ્યના માજી મંત્રી આઈ.કે. જાડેજા, જિલ્લાના ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ અને જિલ્લા ભાજપના પ્રભારી કશ્યપભાઈ શુક્લા આજે નવા પ્રમુખની ઘોષણા માટે ભુજ આવ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે દેવજીભાઈનાં નામની જાહેરાત કરાઈ હતી.

આ પ્રસંગે પક્ષના આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપના મહામંત્રી અને જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહીને જિલ્લા ભાજપના સંગઠનની શિરમોર જવાબદારી સતત બીજી વખત સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા બદલ દેવજીભાઈને બિરદાવ્યા હતા.
શ્રી વરચંદ પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ વહન કરતા આવ્યા છે, જેમાં ગત મુદ્દતની તેમની પ્રમુખ તરીકેની કારકિર્દીમાં લોકસભા ચૂંટણી દરમિયાન કચ્છ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય પ્રાપ્ત થયો હતો. ઉપરાંત તેમણે સદસ્યતા અભિયાન પરિપૂર્ણ કર્યું હતું તેમજ તાજેતરમાં જ ભચાઉ, રાપર નગરપાલિકાઓ સહિત ત્રણ તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં પાર્ટીને સફળતા અપાવવામાં તેમના નેતૃત્વનો સિંહફાળો રહ્યો હતો.

ભુજ તાલુકા, રાપર શહેર તથા ગાંધીધામ શહેરના પ્રભારી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય તરીકેની વિવિધ જવાબદારીઓનું તેમણે વહન કર્યું છે. પોતાના ભાવ વ્યક્ત કરતાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે, એક જમીની સ્તરના પાયાના કાર્યકરને સમય આવ્યે મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવી એ માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પરંપરાને જ આભારી છે.
સમગ્ર જિલ્લા ભાજપે એક પરિવારની ભાવનાથી કામ કર્યું છે અને આગળ પણ સમગ્ર જિલ્લા ભાજપ એ જ દિશામાં, એ જ ભાવ સાથે, એના એ જ જોશ, જુસ્સા અને સંકલ્પ સાથે સંગઠનાત્મક કાર્યોની તીવ્રતામાં વધારો કરીને વધુ ને વધુ માત્રામાં પ્રજાકીય કાર્યોમાં પ્રવૃત રહેશે.
અંતે તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર પ્રથમની ભાવનાયુક્ત ભાજપની મૂળભૂત વિચારધારા મારી રગેરગમાં વહી રહી છે, જે અનુસાર મારી સમગ્ર ઊર્જા, સમગ્ર સમય અને સંપૂર્ણ શેષ જીવન પાર્ટીનાં માધ્યમથી દેશહિત અને જનકલ્યાણકારી કાર્યોમાં વ્યતિત કરીશ. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત પાર્ટીના આગેવાનો, જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો તેમજ મંડલ પ્રમુખો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી તેમજ સહઇન્ચાર્જ ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું.