ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલા ભુજમાંથી પોલીસે દેશ વિદેશના જુગારીઓને ઘેર બેઠાં બેઠાં ઓનલાઈન ગેમ્સથી ગેમ્બલિંગ (જુગાર) રમાડતાં જુગારધામનો પર્દાફાશ કર્યો છે.
ભુજના ત્રિમંદિર પાસે આવેલા સરદાર પટેલ નગરમાં બે માળનો બંગ્લો ભાડે રાખીને ગાંધીધામના યુવકે અન્ય નવ યુવકોને નોકરીએ રાખીને છેલ્લાં એક માસથી ૨૪ કલાક ધમધમતું જુગાર કેન્દ્ર શરૂ કર્યું હતું.
બાતમીના આધારે ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સોસાયટીમાં છેક છેવાડે આવેલા બંગ્લૉમાં દરોડો પાડી ધવલ રોહિતભાઈ મહેતા નામના ગાંધીધામના યુવકને દબોચી લીધો હતો. ધવલ પોલીસને ઉપરના માળે આવેલા એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં ૪ કોમ્પ્યુટર પર ૪ યુવકો આંખો ખોડીને બેઠાં હતાં. બીજા રૂમમાં તપાસ કરતાં તેમાં બેઠેલાં અન્ય પાંચ યુવકો પકડાયાં હતાં.
પોલીસ તપાસ અને પૂછપરછમાં બહાર આવ્યું કે ઓનલાઈન ગેમ્સ મારફતે જુગાર રમવા ઈચ્છતાં ગ્રાહકો પાસેથી ડિપોઝીટ પેટે ઓનલાઈન પેમેન્ટ મેળવીને ધવલ 100 પેનલ નામની ઓનલાઈન ગેમ્બલિંગની વેબસાઈટ પર યુઝર ID અને પાસવર્ડ જનરેટ કરતો.
પેમેન્ટ થયાનું એપ્રૂવલ આપીને 100 પેનલ નામની વેબસાઈટ મારફતે LOTUS365 નામની ઓનલાઈન ગેમીંગની વેબસાઈટ/એપ પર ક્રિકેટ ફેન્ટસી ટીમ કે તીનપત્તી યા રમી વગેરે ઓનલાઈન રમવા માટે જુગારીને એક્સેસ મળી જતો હતો. જુગારીને તેના વોટસએપ પર ID અને પાસવર્ડ મળી જતાં. ગ્રાહકની હાર-જીત મુજબ નાણાંનો હિસાબ કિતાબ ઓનલાઈન અપડેટ થતો રહેતો જેને ધવલ એપ્રૂવ કર્યા કરતો હતો.
ચોવીસે કલાક આ ઓનલાઈન જુગાર કેન્દ્ર ધમધમતું રહેતું જેના માટે ધવલે આઠ યુવકોને કામે રાખેલાં જે ચાર ચાર કલાકની શિફ્ટમાં કામ કરતાં હતા.
મોટાભાગના યુવકો કચ્છની અડોશ પડોશના જિલ્લાના વતની છે. આ યુવકોને બંગ્લૉમાં જ ખાવા પીવા અને રહેવાની સુવિધા અપાઈ હતી. આ કામગીરી માટે ધવલને પ્લેયરદીઠ સૉરી જુગારીદીઠ વીસ ટકા કમિશન મળતું હતું. હાર-જીતના નાણાંનો હિસાબ દર સોમવારે કરવામાં આવતો હતો.
જુગારીને ઓનલાઈન પેમેન્ટ કરવા માટેનો મોબાઈલ નંબર ધવલ ઉપલબ્ધ કરાવતો હતો. પોલીસે ઘરમાં સર્ચ કરતાં વિવિધ બેન્કોમાં જુદાં જુદાં વ્યક્તિના નામના એકાઉન્ટસની ૧૮ પાસબૂક, ૧૭ એટીએમ કાર્ડ, ૧૧ ચેકબૂક મળી આવી છે. તો, જુગાર રમાડવા માટે વપરાતાં જુદાં જુદાં ૧૫ મોબાઈલ ફોન મળી આવ્યાં છે. પોલીસે રૂમમાંથી ૪ કોમ્પ્યુટર મોનિટર, ૨ સીપીયુ, ૪ લેપટોપ, ૧ આઈપેડ, ૧ ટેબલેટ, ૧ રાઉટર, ૧ ડોંગલ કબજે કર્યાં છે. ઝડપાયેલાં આરોપીઓના કબજામાંથી તેમના અંગત વપરાશના ૯ મોબાઈલ ફોન કબજે કરાયાં છે. કોમ્પ્યુર, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૯૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
રહેણાંક મકાનમાંથી પોલીસે ધવલ મહેતા (રહે. મૂળ ઓસ્લો સર્કલ પાસે, ગાંધીધામ), કિશન ઉમેશભાઈ જણસારી (રહે. નિકોલ, અમદાવાદ), નિરવ દેવેન્દ્રભાઈ જોશી (ગાંજીસર, રાધનપુર, પાટણ), ઉત્સવ અશોકભાઈ ચક્રવર્તી અને પ્રિન્સ અનિલભાઈ જોશી (બંને રહે. ખોલવાડા, સિધ્ધપુર, પાટણ), જય જગદીશભાઈ પટેલ (વિસનગર, મહેસાણા), શાલિન ધીરજભાઈ ઠક્કર (રહે. સંસ્કારનગર, ભુજ), દીપક સોમલાલ ચૌહાણ (ડીસા, બનાસકાંઠા), કિશન રામુભાઈ જોશી (મુડેઠા, ડીસા) અને રસોયા સુનિલ વૃંદાવન દાસ (રહે. મૂળ ઓડિશા)ની સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ચાર અને પાંચ હેઠળ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અટકાયત કરી છે.
ધવલે આ રીતે અત્યારસુધી કેટલાં રૂપિયા લઈને કેટલાં આઈડી પાસવર્ડ જનરેટ કરી નાણાંની લેણ-દેણ કરી જુગાર રમાડ્યો છે તે જાણવા માટે પોલીસે બેન્ક સ્ટેટમેન્ટ, મોબાઈલ ફોન મારફતે થયેલાં ટ્રાન્ઝેક્શન વગેરે વિગતો મેળવવા કવાયત્ હાથ ધરી છે. તપાસનો રેલો વિદેશ સુધી રેલાય તેવી શક્યતા છે કારણ કે બંને વેબસાઈટના સર્વર અને સંચાલકો દુબઈ કે વિદેશસ્થિત હોવાની શક્યતા છે.
જે એટીએમ કાર્ડ, બેન્ક ખાતાની પાસબૂકો, ચેકબૂકો મળી છે તે ખાતાંધારકો પૈકી મોટાભાગનાએ કમિશનથી ધવલને પોતાના નામે બેન્ક ખાતાં ખોલાવીને ભાડે આપ્યાં હોવાની પોલીસને આશંકા છે. જે પાસબૂક મળી છે તેમાં કિરીટભાઈ મુકેશભાઈ મજેઠીયા (રહે. નાગનાથ મંદિર પાસે, ભુજ)ના નામની PNB, UBI અને BOI એમ ત્રણ બેન્ક ખાતાંની પાસબૂક, કિરણ મિલાપભાઈ રાજગોર (રહે. નવી રાવલવાડી, હિલગાર્ડન પાસે)ના નામની બેન્ક ઑફ મહારાષ્ટ્ર અને બેન્ક ઑફ ઈન્ડિયાના ખાતાની બે પાસબૂક, રાજેશ ચૌહાણ (રહે. રવેચીનગર, અંતરજાળ, ગાંધીધામ)ના નામે બેન્ક ઑફ મહારાષ્ટ્ર, પંજાબ નેશનલ બેન્કના ખાતાની બે પાસબૂક, દેવાંગકુમાર વિનોદભાઈ મોદી (PNB), S T સપ્લાયર્સ (ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક), રાહુલ ગિરધારી ખાતુરીયા (IDBI), સોનમ ગિરધારીલાલ ખાતુરીયા (પંજાબ એન્ડ સિંધ બેન્ક, ઉલ્હાસનગર બ્રાન્ચ, મહારાષ્ટ્ર), કરણ કે મકવાણા (કેનેરા બેન્ક), મનીષ જવાહરલાલ હંસ (બેન્ક ઑફ ઈન્ડિયા), સુભાષ ધનજીભાઈ મહેશ્વરી (વૉર્ડ 1-A, ગાંધીધામ)ના નામની કર્ણાટક બેન્ક લિમિટેડની પાસબૂક, શાલિન ધીરજલાલ ઠક્કર (સંસ્કારનગર, ભુજ)ના નામે ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખૂલેલાં ખાતાની પાસબૂક, શબ્બિર અકબર લુહાર (અંતરજાળ, આદિપુર)ના નામે યુકો બેન્કના ખાતાની પાસબૂક, શાંતિલાલ ગેડીયા (રહે. જૂની સુંદરપુરી, ગાંધીધામ)ના નામની યુકો બેન્કની પાસબૂક, ઝાલા ઋતુરાજ વનરાજસિંહ મોઢવાણાના નામે બેન્ક ઑફ મહારાષ્ટ્રના ખાતાની એક પાસબૂકનો સમાવેશ થાય છે.
આ તમામ ખાતાંધારકોની પણ ઝીણવટભરી તપાસ થશે અને ગુનામાં મદદગારી સ્પષ્ટ થયે તેમને પણ ફીટ કરાશે તેમ પોલીસે જણાવ્યું છે.
દરોડાની કામગીરીમાં પીઆઈ સંદિપસિંહ ચુડાસમા, પીએસઆઈ એચ.આર. જેઠી સહિતનો સ્ટાફ જોડાયો હતો.