ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા પછી ગુજરાત પોલીસ સફાળી જાગી છે. આ પ્રકારના તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાના હેતુથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે આગામી 100 કલાકમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી હતી.

શહેરમાં લોકો ઉપર ખોટો દાદાગીરીઓ કરનારા પાસામાં ફીટ થશે
રાજ્યમાં અસામાજિક તત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરાયો છે. આ પ્રકારના તત્ત્વોની યાદીમાં કોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરાઈ છે. આ પ્રકારના તત્ત્વોમાં ખાસ કરીને ખંડણી, મારામારી, ધાક-ધમકી કરનારા તત્ત્વોની સાથે મિલકત સંબંધિત ગુના આચરનારા, પ્રોહિબિશન-જુગારનો ગેરકાયદે ધંધો કરનારા, ખનીજ ચોરી જેવા ગુનામાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોનો આ યાદીમાં સમાવાશે.
શું પોલીસ વસ્ત્રાલ જેવી ઘટનાની રાહ જોતી હતી?
આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તે સારી વાત છે, પરંતુ સવાલ એ છે કે, શું પોલીસ અત્યાર સુધી વસ્ત્રાલની ઘટનાની રાહ જોતી હતી? વસ્ત્રાલ જ નહીં, પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોનો આતંક છે. નબીરાઓ નશાખોરી કરીને બેખૌફ ફરે છે. આડેધડ ડ્રાઈવિંગ કરીને લોકોને કમોતે મારે છે, પરંતુ આવી ઘટનાઓ થાય ત્યારે જ પોલીસ કડક કાર્યવાહીનો દેખાડો કરે છે. તો સામાન્ય માણસને સવાલ થાય છે કે, પોલીસ આ તત્ત્વોને કાબુમાં રાખવા પ્રયાસ કરે છે કે પછી આવી કોઈ ઘટના થાય ત્યારે ખાલી નાટક કરીને સંતોષ માની લે છે?
અસામાજિક તત્ત્વો સામેના જામીન રદ કરવા પણ કાર્યવાહી
આવા તત્ત્વો દાખલ થયેલા ગુનામાં જામીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઇ ગેરકાયદે કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવાનો પણ પોલીસ વડાએ આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભાડુઆત તરીકેની નોંધણી ના કરી હોય તો પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
પોલીસ વડાનો કડક કાર્યવાહીનો આદેશ હવે કેમ?
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાસૂચનાઓ આપી છે. આ સિવાય આ તત્ત્વોએ ગેરકાયદે બાંધકામ કરેલું હોય તો તેને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય, તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદે વીજ જોડાણ ધ્યાને આવે તો GUVNL સાથે વાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા, તેમના બેંક ખાતા ચકાસીને નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદે કૃત્ય જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના અપાઈ છે.
હવે સવાલ એ છે કે, શું રાજ્ય પોલીસ વડા પણ અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહી કરવા રાહ કેમ જોતા હતા? એવું કહેવાય છે કે, વસ્ત્રાલ સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી. થોડા સમય પહેલા પોલીસ સાથે દાદાગીરી કરતા આવા જ અસામાજિક તત્ત્વોના વીડિયોએ ચકચાર મચાવી દીધી હતી.
અસામાજિક તત્ત્વો પોલીસને ગાંઠતા નહીં હોવાથી લોકો ભયભીત
અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ડિસેમ્બર 2024માં અસામાજિક તત્ત્વોનો ભારે આતંક જોવા મળ્યો હતો. આ લોકોએ અમદાવાદ પોલીસ જવાનોને પણ તલવાર બતાવીને પોલીસ વેનમાં પાછા બેસાડી દીધા હતા. આ ઘટનામાં અમદાવાદ પોલીસે બે લોકોની ધરકપડ કરી હતી. બાદમાં વસ્ત્રાલની ઘટનામાં થયું એવી જ રીતે, તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દીધા હતા.
આ વીડિયોમાં પોલીસને પણ અસામાજિક તત્ત્વો સામે લાચાર જોઈને સામાન્ય લોકો પણ ભયભીત થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે કડક કાર્યવાહી કરી હતી, પરંતુ આ પ્રકારના તત્ત્વો આતંક મચાવીને સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હોય છે ત્યારે પોલીસ અનેકવાર મૂક પ્રેક્ષક જ બની જતી હોવાનું જોવા મળ્યું છે.