ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ડી-માર્ટમાં ઠગાઇ કરવાના હેતુથી એક શખ્સે બનાવટી બિલ લઇ તે પ્રમાણે વસ્તુઓ ટ્રોલીમાં ભરી બહાર નીકળતાં સુરક્ષા કર્મીઓએ તેને પકડી પાડયો હતો. અંજારમાં રહેનારો સમીર વિઠ્ઠલ ગજેરા નામનો યુવાન રવિવારના ગાંધીધામના ડી-માર્ટ મોલમાં આવ્યો હતો, જ્યાં પાર્કિંગ વિસ્તારમાં તેને એક બિલ મળ્યું હતું, જેમાં ડી-માર્ટનો સિક્કો લાગેલો ન હોવાથી તેને લાલચ જાગી હતી અને ટ્રોલી લઇને તે મોલમાં ગયો હતો, જ્યાં તેણે બિલ પ્રમાણેની વસ્તુઓની ખરીદી કરી હતી. બાદમાં ટ્રોલી ભરીને બહાર નીકળતાં મહિલા સુરક્ષાકર્મીએ આ શખ્સને અટકાવ્યો હતો. શંકાસ્પદ જણાતાં બિલની ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં ઉપરી અધિકારીઓને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ સામાનની ચકાસણી કરતાં રૂા. ૧૧,૧૨૩નો સામાન ટ્રોલીમાં હોવાનું બહાર આવ્યું હતું. બનાવટી બિલના આધારે ડી-માર્ટમાં રૂા. ૧૧,૧૨૩ની ઠગાઇ કરવાના આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
