ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્ય પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા 24 અસામાજિક તત્વોની યાદીમાં સામેલ કચ્છના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. રાપર તાલુકાના ગેડી ગામના રહેવાસી પુના ભાણાભાઈ ભરવાડને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ અંજાર, ગાંધીધામ એ ડિવિઝન, આદિપુર અને સામખીયાળી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. તે બહારના રાજ્યોમાંથી ગેરકાયદે રીતે વિદેશી દારૂ મંગાવતો અને તેનો સંગ્રહ કરી હેરફેર કરતો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટર કચેરી, ભુજ ખાતે મોકલી હતી. કલેક્ટરે પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇશ્યુ કર્યા બાદ એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી વિરુદ્ધ અગાઉ 50 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. રાજ્ય પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની 100 કલાકમાં યાદી તૈયાર કરી કડક કાર્યવાહી શરૂ કરી છે.