- પૂર્વ કચ્છ પોલીસની અનોખી પહેલ
- ઈસમોને પોલીસ હેડક્વાર્ટર બોલાવી ચેતવણી આપી
- કાન પકડાવી ગુનાઓ ન કરવા સમજાવ્યાં
- ભૂતકાળને ભુલી ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરવી નહિ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચના મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે એક નવતર પહેલ કરી છે. પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૨૬૨ ઈસમોને ગાંધીધામ હેડક્વાર્ટર ખાતે બોલાવ્યા હતા.

આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પર દબાણ, ગેરકાયદે વીજ કનેક્શન, અવૈધ નાણાકીય વ્યવહાર, દારૂ-જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સરહદી રેન્જ-ભુજના આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ-કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મીટિંગમાં એસપી સાગર બાગમારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો હંમેશા પોલીસની નજરમાં હોય છે.તેમજ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પોલીસ દ્વારા અવારનવાર ચેક કરવામાં આવે છે. વધુમાં તેમને જણાવ્યું કે ભુતકાળમાં જે કાઈ ભૂલો થઇ હોય તે ભુલીને હવેથી ભવિષ્યમાં ફરીવાર કોઈપણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા જણાવ્યું હતું.ગુનો આચરવા બાદ તેનું પરિણામ આરોપી સાથે તેના પરિવારને પણ ભોગવવાનો વારો આવે છે જેના કારણે પરિવાર હેરાનગતિમાં મુકાય છે. તમામ આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દુર રહેવા સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય કોઈ ઈસમો કોઈપણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરી સમાજ માટે ઉપયોગી બની પોલીસની કામગીરીમાં મદદરૂપ થવા જણાવ્યું હતું.

આ બેઠકમાં અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ભચાઉના ડીવાયએસપી સાગર સાંબડા, એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા, એસ.ઓ.જી પીઆઈ ડી.ડી.ઝાલા સહિત તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર્સ અને સબ-ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા હતા. તમામ આરોપીઓના રેકોર્ડ માટે ડોઝિયર્સ ફોર્મ પણ ભરવામાં આવ્યાં હતા.


