ગાંધીધામ ટુડે, ન્યુઝ : ગાંધીધામ મહાનગરપાલિકામાં માનવબળના અભાવે કામગીરી કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સરકારમાં ૧૦૫૦ કર્મચારીઓની ભરતી કરવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. તેનો હજુ સુધી કોઈ ર્નિણય આવ્યો નથી, તો બીજી તરફ આઉટસોર્સિંગ એજન્સી મારફતે કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. થોડા જ સમયમાં અલગ અલગ વિભાગોમાં લગભગ ૨૦૦થી વધુ કર્મચારીઓને નિમણૂક આપવામાં આવશે.
મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ જે એમ પોર્ટલ મારફતે ટેન્ડર પ્રક્રિયા કરી હતી અને તેમાં જિગર એન્ટરપ્રાઇઝ નામની એજન્સી નક્કી થઈ છે, તેના મારફતે મહાનગરપાલિકામાં ૨૦૦ કર્મચારી નિમણૂક કરવામાં આવશે. જેમાં ૨૦ કોમ્પ્યુટર ઓપરેટર, ૨૦ ડ્રાઇવર, ૧૯ વાલ્વમેન, ૨૦ પમ્પ ઓપરેટર, વાયરમેન, સુપરવાઇઝર, ક્લીનર, ચોકીદાર તથા ૧૦૦ની આસપાસ હેલ્પર, મજૂર, સહાયક કામદાર, સફાઈ કામદાર, ચોકીદાર સહિતના કર્મચારીઓને આઉટસોર્સથી નિમણૂક કરવામાં આવશે તેવું જવાબદારોએ કહ્યું હતું.
આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત આઈ.ટી.આઈ. પાસ કર્યું હોય તેવા ૧૫ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ૧૦ સર્વેયર, ચાર ઓપરેટર ચાર મિકેનિક ડીઝલ, કોમ્પ્યુટર ઓપરેટર, પ્લમ્બર, વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક મોટર વ્હિકલ સહિત કુલ ૯૨ને તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ તરીકે નિમણૂક આપવામાં આવશે અને જાેગવાઈઓ અને ધારાધોરણ મુજબ સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. હાલના સમયે કર્મચારીઓની ઘટનાં કારણે અલગ અલગ કામગીરીઓમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે અને સમયસર લોકોનાં કામો થતાં નથી.