ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ ટીમે ગાંધીધામ ટાઉન વિસ્તારમાં કે પોપ્યુલર ઓમ સિનેમા પાસે ચાલી રહેલા IPL મેચના સટ્ટા દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે એક યુવાનને પોતાની થાર ગાડીમાં બેઠો હોવાની માહિતીના આધારે રેડ કરતા સટ્ટા રમાડતા યુવક મનીષકુમાર શ્રીરામભાઈ રાજગોર (ઉ.વ. ૨૨, રહે. વાવ, જી. બનાસકાંઠા)ને પકડી પાડ્યો હતો.
આ યુવક પોતાની મહિન્દ્રા થાર (નં. GJ-08-DP-2511) માં બેઠો હતો અને મોબાઇલમાં Google Chrome બ્રાઉઝર દ્વારા COW111 નામની ઓનલાઇન સટ્ટાની સાઇટ અને MAX2808 આઈ.ડી.થી IPL મેચ પર સટ્ટો રમાડતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે સ્વીકારી લીધું હતું કે, તે દુબઈથી સંચાલિત સટ્ટાના રેકેટના ભાગરૂપે પોતે અન્ય લોકોને આઈ.ડી. આપે છે અને 27% ભાગ લઈ કામગીરી કરતો હતો.
આરોપી દ્વારા મળેલ વિગતો અનુસાર, આઈ.ડી. સુરજભાઇ પ્રતાપસિંહ ચૌહાણ અને મિતેશ ઠક્કર (રહે.બંને થરા હાલે રહે.દુબઈ) દ્વારા આપવામાં આવી હતી અને જે વ્યવહાર તે પોતાના માસીના દિકરા વિવેક આચાર્ય(રહે.ભડવેલ તા.થરા જી.બનાસકાંઠા)ના બેન્ક એકાઉન્ટ મારફતે ચલાવતો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૨૦,૦૦૦ કિંમતનો મોબાઇલ અને અંદાજે રૂ. ૭ લાખની થાર ગાડી કબ્જે લીધી છે. આ કેસમાં જુગારધારા કલમ ૧૨(એ) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.