ગાંધીધામ ટુડે ન્યૂઝ: રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જર્જરિત ગોડાઉનમાં ગેરકાયદે રીતે રાંધણગેસના ૩૦૦ સિલિન્ડર સંગ્રહ કરાયા હોવાની બાતમી મળી હતી. કલેક્ટર આનંદ પટેલના સૂચન પરથી જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મી અને રાપર મામલતદાર એચ.બી. વાઘેલા સહિતની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમ્યાન, અંદાજે ૮ લાખ રૂપિયાના મૂલ્યના ગેરકાયદે રાખેલા રાંધણગેસના સિલિન્ડરો મળી આવ્યા હતા. જેમાંથી ૨૦૧ સિલિન્ડર ભરેલા હતા અને બાકીના ખાલી હતા. સિલિન્ડરો કાયદેસર પરવાનગી વગરના ગોડાઉનમાં ગેરકાયદે રીતે સંગ્રહિત કરવામાં આવ્યા હતા. વધુમાં, ફાયર સેફ્ટીના કોઈપણ સાધનો હાજર ન હોવાનું પણ સામે આવ્યું હતું, જેના કારણે મોટા દુર્ઘટનાનો ભય હતો.
હવે ગાંધીધામની નવનીત ગેસ એજન્સી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આવા પ્રકારના સંગ્રહ માટે એચ.પી.સી.એલ.ના સેલ્સ ઓફિસરો જવાબદાર હોય છે, તેમ છતાં તેમની ભૂમિકા શંકાસ્પદ રહી છે. પુરવઠા વિભાગે રાજકીય ભલામણોને અનાદર કરી કડક પગલાં લીધાં છે.