ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરમાં છેલ્લા ઘણા સમયથી દબાણોની સમસ્યા ઘેરી રહી છે. ખાસ કરીને ૪૦૦ ક્વાર્ટરના વિસ્તારમાં ગટરલાઇન પર કરવામાં આવેલા દબાણોને લઈને નાગરિકો તકલીફનો સામનો કરી રહ્યા છે. અગાઉ નગરપાલિકા દ્વારા આ દબાણો સામે કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હતી, પરંતુ હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતાં દબાણ દુર કરવાની કાર્યવાહી ઝડપ પકડી રહી છે.

મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા દબાણ દુર કરવાનું ખાસ અભિયાન હાથ ધરાયું છે. જે હેઠળ ૪૦૦ ક્વાર્ટરના વિસ્તારમાં ગટરલાઇન પર દબાણ કરનાર ૪૫ દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે. મનપાની સૂચન અનુસાર, જો ૧૫ દિવસની અંદર સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવામાં આવે, તો તંત્ર પોલીસની હાજરીમાં બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરશે.

શહેરમાં અનેક દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા છે, તો કેટલાક દબાણો સામે તંત્ર દ્વારા પગલા લેવાઈ રહ્યાં છે. મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી લોકોને સ્વચ્છ અને અવરોધરહિત શહેર સુવિધા આપવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહી છે.