ગાંધીધામ ટુડે, ન્યૂઝ: રાજ્યમાં પડતી ગરમી વચ્ચે હવામાન વિભાગ તરફથી એક રાહત આપનારી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, મોરબી, આણંદ, હળવદ અને કચ્છના કેટલાક ભાગોમાં ઝરમર ઝરમર વરસાદ પડવાની શકયતા છે.
તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસમાં આંધી પવન, વીજળી સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જે ગરમીથી તણાતા લોકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
ચોમાસા અંગે પણ મહત્વની ટિપ્પણી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષનું ચોમાસું 2006 અથવા 2007 જેટલું સક્રિય રહેવાની શક્યતા છે, જેનો અર્થ થાય કે સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે.