26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારત લવાયો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે. થોડી જ વારમાં તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરાશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.

રાણાએ ભારતમાં તેને પ્રત્યાર્પિત કરવા સામે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર નાઇન્થ સરકીટમાં કરેલી આખરી અરજીને નકારી કઢાવામાં આવતાં રાણાનો કબજો મેળવી ભારતીય અધિકારીઓની ટીમ ખાસ ફલાઇટ દ્વારા નવી દિલ્હી આવવા માટે રવાના થઇ હતી. તહવ્વૂર રાણાને ભારત પાછો લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલની બાજ નજર હેઠળ પાર પાડવામાં આવી રહી છે. મુંબઇ પર 2008માં કરેલાં આતંકી હુમલામાંં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારતની કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે. આ કેસમાં અગાઉ એક આતંકી અજમલ કસાબને જ ફાંસીની સજા થઇ છે. મુંબઇ પર આતંકી હુમલો પાર પાડયાના એક વર્ષ બાદ તહવ્વૂર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઓક્ટોબર 2009માં મોહમ્મદ પયગંબરના કાર્ટૂન પ્રકાશિત કરનારાં ડેનમાર્કના અખબાર જ્યાલેન્ડસ-પોસ્ટેન પર આતંકી હુમલો કરવાની તજવીજ કરી રહ્યા હતા. એ સમયે હેડલી શિકાગોના ઓહેર એરપોર્ટ પરથી ફિલાડેલ્ફિયા જવા રવાના થવાનો હતો ત્યારે જ તેમના અખબાર પર હુમલો કરવાના કાવતરાંની ગંધ આવી જતાં એફબીઆઇ દ્વારા હેડલીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *