ગાંધીધામ ટુડે, ન્યૂઝ:
દશકોની રાહ જોઈને છેલ્લે ગાંધીધામને પોતાનું ‘અંતિમધામ’ મળવાનું નક્કી થયું છે. અત્યાર સુધી શહેરવાસીઓને મીઠીરોહર અથવા આદિપુરના સ્મશાન સુધી અંતિમક્રિયા માટે જવું પડતું હતું. હવે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી આ સપનું સાકાર થવા જઇ રહ્યું છે.

DPAએ ગયા વર્ષે ડીસી-૫ પાછળ ૧૦ એકરથી વધુ જમીન અને ₹૫૦ લાખની રકમ ફાળવી હતી. આ ગ્રાઉન્ડ પર પહેલેથી જ એક શેડ અને એક ભઠ્ઠીનું નિર્માણ થઈ ચૂક્યું છે. હવે નવા બજેટમાં મહાનગરપાલિકા દ્વારા ₹૫ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા સ્મશાનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની અંદર:
ઈલેક્ટ્રિક ભઠ્ઠીઓ (ઓછા લાકડાથી કાર્યરત)
ચાર સામાન્ય ભઠ્ઠીઓ
બાઉન્ડ્રી વોલ, બે એન્ટ્રિ ગેટ
મંદિર, પીવાનું પાણી, સ્નાનગૃહ, લેન્ડસ્કેપીંગ વગેરે
આ અંતિમધામનું સંચાલન ગાંધીધામ ચેમ્બર પાસે રહેશે. ખાસ વાત એ છે કે, લાકડાનું પ્રમાણ અને ખર્ચ પણ નક્કી કરી આપવામાં આવ્યો છે – દરેક મૃતદેહ માટે ૧૦ મણ લાકડા મનપા દ્વારા આપવાનું રહેશે, જેનું પ્રતિમણ ₹૧૫૦ની દરે ચૂકવણી થશે.
પ્રોજેક્ટની અંદાજીત કિંમત ₹૮ થી ₹૧૦ કરોડ વચ્ચે ગણાય છે. શહેરને મળતી આ સુવિધા માત્ર આધુનિક નથી પણ માનવીય સ્વભાવમાં પણ મહત્વની છે – કારણ કે હવે અંતિમ વિદાય માટે પ્રવાસ કરવો નહીં પડે.