- પોલીસે કલેક્ટર કચેરીને ઘેરી લીધી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસમાં જોડાયા
ગાંધીધામ ટુડે ન્યુઝ : પાટણ પછી હવે રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના કલેક્ટરને એક અજાણ્યા ઈમેલ દ્વારા સ્પષ્ટ ધમકી મળી છે કે કલેક્ટર કચેરીમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ જાણ થતાં તાત્કાલિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને કલેક્ટર કચેરી ખાતે તપાસના દોરો શરૂ થયા છે.
ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG), બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. સુરક્ષાને દૃષ્ટિએ કચેરી ખાલી કરાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીના ખુણે ખુણે તપાસ કરાઈ રહી છે.
આ ઘટના પહેલા આજે સવારે પાટણ જિલ્લામાં પણ આવો જ ઇ-મેલ મળ્યો હતો. પાટણ કલેક્ટર કચેરીના અધિકારીઓને મોકલવામાં આવેલા ઇમેલમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે કચેરીમાં બપોરે 4.30 વાગ્યે વિસ્ફોટ થવાનો છે. જેના પગલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમે કચેરી સહિત આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. જો કે, ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ના થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
આ બંને ધમકીભર્યા ઈ-મેલ કયા સ્ત્રોતથી મોકલાયા છે અને એ પાછળ કોણ છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઈમેલની ટેકનિકલ વિગતો એકઠી કરીને સાયબર સેલના સહકારથી સમગ્ર કેસની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં મળેલી ધમકી અંગે જિલ્લા કલેક્ટરે પોલીસને જાણ કરી છે. કલેક્ટર કચેરીના અંદર અને બહાર પોલીસનો ભારે જથ્થો મુકવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, તેમ છતાં સુરક્ષાને લઈ કોઈ જાતનો ખોટો ચાન્સ ન લેવાય તે માટે ચુસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.