ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુર અને આસપાસના વિસ્તારોમાં પીવાનાં પાણીની સતત ગંભીર સમસ્યાને દુર કરવા માટે તંત્રે બહુચર્ચિત શિણાય ડેમને પાયાનું સ્રોત બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. આ માટે ૩૦ કરોડના ખર્ચે આદિપુર સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટથી ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા લગભગ ૫.૫ લાખ લોકોને પેયજળની રાહત મળી શકે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તારને ટપ્પર ડેમ, વરસામેડી અને વીડી નાગલપર જેવા બીજાં સ્રોતોથી પૂરું પાડવામાં આવતું પાણી અપૂરતું સાબિત થઈ રહ્યું છે.
શિણાય ડેમથી પાણી લાવવા માટેનું માળખું તૈયાર કરવા ઉપરાંત, હાલની લાઈનો અને ટાંકા જેવી પાયાની સુવિધાઓમાં સુધારા કરવા માટે વધુ ૨૦ કરોડનો ખર્ચ પણ મંજૂર કરાયો છે. અગાઉ શિણાય ડેમનું પાણી ગોપાલપુરી સુધી પહોંચતું હતું, જે હવે વિસ્તૃત આયોજન દ્વારા આદિપુર અને આસપાસના વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.
નવા પ્લાન અનુસાર, શિણાય, કિડાણા, અંતરજાળ, મેઘપર કુંભારડી, મેઘપર બોરીચી અને આદિપુર જેવા વિસ્તારોને આ યોજના હેઠળ પીવાનું પાણી મળવાનું છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.