ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લા પોલીસે આજે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રાપરના આડેસર ગામમાં આરોપી મહંમદ હારુન અયુબ હિંગોરજાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીએ સરકારી જમીન ઉપર આલીશાન હોટલ અને રહેણાંક મકાન બનાવ્યું હતું.
કુખ્યાત હારુન અયુબ ઉપર હત્યા, આરએફઓ પર ખૂની હુમલો, ખનીજ ચોરી સહિત સંખ્યા બંધ ગુના ઓ નોંધાયેલા છે. આજે સવારથી આડેસર પીઆઇ જે એમ વાળા, રાપર મામલતદાર સહિતની ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ વિભાગ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ કાયદાનો ભંગ કરનારા તત્વો સામે એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાવિંદપરમાં ગુનેગારે કરેલાં દબાણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવનારા આરોપી દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલાં દબાણ દૂર કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રાપર તાલુકાના ગાવિંદપર ગામમાં વધુમાં બે આરોપીઓના અતિક્રમણ ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

રાજ્યના પોલીસવડા દ્વારા જિલ્લા પોલીસવડાને 100 કલાકમાં અસામાજિક તત્ત્વો અને ગુનેગારોની યાદી તૈયાર કરી તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા, જેના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા છેલ્લા લાંબા સમયથી ગુનેગારો દ્વારા કરવામાં આવેલાં દબાણો દૂર કરવાની ગતિવિધિ ચાલી રહી છે. આ ઝુંબેશ તળે અનેક સરકારી જમીનો દબાણમુક્ત થઈ છે.

રાપર તાલુકાના ગોવિંદપર બસ સ્ટેશન બાજુમાં આવેલી સરકારી જમીન ઉપર આરોપી મહેન્દ્રસિંહ અચુભા સોઢા (રહે. ગાવિંદપર) અને નાગજી નોંધા ભરવાડ (રહે. ગોવિંદપર)એ 10 બાય 10ની ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી હતી. પોલીસે આ દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. આ બંને આરોપી વિરુદ્ધ આડેસર પોલીસ મથકમાં શરીર સંબંધી, મારામારી, પશુ સંરક્ષણ ધારા તળે, દારૂના ગુના નોંધાયા હતા.