ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે જળ સંકટના ભણકારા વાગી રહ્યા છે. રાજ્યના 92 ડેમોમાં માત્ર 30 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સરકાર ચિંતામાં મુકાઈ છે અને તાત્કાલિક આયોજન કરવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે.
એક તરફ રાજ્યમાં હિટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં પીવાના પાણીની અછત સર્જાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના ડેમોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, જે આગામી દિવસોમાં ગંભીર જળ સંકટની આગાહી કરી રહ્યું છે. હાલમાં રાજ્યના ડેમોમાં સરેરાશ માત્ર 50 ટકા પાણી ઉપલબ્ધ છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 34.13 ટકા પાણી બચ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 58.35 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમોમાં માત્ર 37.94 ટકા પાણી બચ્યું છે. સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં 141 ડેમોમાંથી માત્ર એક જ ડેમ સંપૂર્ણપણે ભરાયેલો છે અને સરેરાશ માત્ર 40.37 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યમાં માત્ર પાંચ ડેમોમાં 90 ટકાથી વધુ પાણી છે, જ્યારે 28 ડેમોમાં 10 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા (11.37%), સાબરકાંઠા (27%), દ્વારકા (12%), મોરબી (28%) અને સુરેન્દ્રનગર (33%) જિલ્લાના ડેમોમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું છે, જેના કારણે આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના છે.
શહેરોમાં અત્યારથી જ પાણી માટે પોકાર શરૂ થઈ ગયો છે, ત્યારે ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક બેઠક યોજીને પાણીના વ્યવસ્થાપન અંગે આયોજન કરવાની ફરજ પડી છે. ડેમોમાં પાણીની ઘટતી જતી સપાટીને જોતા ખેડૂતો માટે સિંચાઈના પાણી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો નવાઈ નહીં.