ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે દુર્ઘટનાજનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, એક વોલ્વો બસે આગળ જતા એક્ટીવા અને બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
એક્ટીવા પર બે યુવતીઓ સવાર હતી, જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે બીજી યુવતી અને બાઈક સવાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કિડાણામાં લક્ષ્મીનગરમાં પોતાના પિતા લક્ષ્મીનારાયણ સિમ્હાધુરે સાધુપલ્લીને ત્યાં આવેલી રીતુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિણીત એવી આ યુવતી સવારે કોલેજ ગયા બાદ બપોરે પરત થતી હતી. આ યુવતી તથા તેની મિત્ર અંકિતા ભરત ગીલરિયા (ઉ.વ. 20) (રહે. કિડાણા) કોલેજ ગયા હતા, ત્યાંથી રજા મળતાં બંને પેટ્રોલપંપે આવ્યા હતા. ત્યાંથી આ બંને મોપેડ એક્ટિવા નંબર જીજે-39-ડી-6103વાળું લઇને ઘર બાજુ જવા નીકળી હતી. આ બંને બાજુથી પૂરપાટ આવતી એસ.ટી.ની વોલ્વો ભુજ રાજકોટની બસ નંબર જીજે-07-ટીયુ-5621એ મોપેડ પર સવાર બંને યુવતીને હડફેટમાં લીધી હતી. બસની ગતિ એટલી તીવ્ર હતી કે, મોપેડને હડફેટે લીધા બાદ તે ડિવાઇડરમાં અથડાઇ હતી, જેમાં વીજપોલ ધરાશાયી થયો હતો અને સામેથી ગાંધીધામથી આદિપુર જતી બાઇક નંબર જીજે-12-ઇએન-4786ને પણ હડફેટે લીધી હતી. આ ગમખ્વાર અને જીવલેણ અકસ્માતમાં રીતુને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેને સારવાર મળે તે પહેલાં છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે તેની મિત્ર અંકિતા તથા સામેથી બાઇકથી આવતા સમીર રહીમ ત્રાયા (રહે. કિડાણા)ને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બંનેને સારવાર હેઠળ રખાયા છે. ધડાકાભેર થયેલા આ અકસ્માત બાદ એસ.ટી.નો ચાલક નાસી છૂટયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર સંકુલ અને તાલુકામાં ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. બસનો ચાલક હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત અંગે રીતુના પિતા લક્ષ્મીનારાયણ સાધુપલ્લીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ટાગોર રોડ પર સતત બની રહેલા અકસ્માતો સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. વધુ પડતી ઝડપે દોડતા વાહનો અને ટ્રાફિક નિયંત્રણની સ્પષ્ટ ઘાટપાટના કારણે અવારનવાર જીવલેણ ઘટનાઓ સામે આવી રહી છે. આજે જે રીતે વોલ્વો બસે બાઈક અને એક્ટીવા સવારોને ટક્કર મારતાં એક યુવતીના મોતની ઘટના બની, એ ઘટનાએ ફરી એકવાર રસ્તાની સુરક્ષાને લઈને સવાલ ઉભા કર્યા છે.
લોકોનું કહેવું છે કે સ્થાનિકોનું કહેવું છે કે અહીં વધારાની સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે અનેકવાર જીવલેણ ઘટનાઓ સર્જાય છે. આ માર્ગ પર નિયમિત પેટ્રોલિંગ અને સ્પીડ નિયંત્રણ માટે તંત્રે ગંભીરતાથી પગલાં નહીં ભરે તો આવી દુર્ઘટનાઓ યથાવત્ રહેશે.

