ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025 થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *