ગાંધીધામ ટૂડે, ન્યૂઝ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં માર્ગ વિકાસ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઈ હતી. બેઠકમાં કુલ રૂ. ૨૪૭.૩૫ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ભુજ-ભચાઉ માર્ગ, વટામણ-પીપળી કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે સહિતના વિસ્તારો આવરી લેવાયા છે.કચ્છ માટે ખાસ કરીને ભુજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર માટે નવીન વ્હીકલ અંડરપાસની ૪ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ધાણેટી, દૂધઈ, ભદ્રોઇ અને બી.કે.ટી ફેક્ટરી સામે નવા અંડરપાસ બનાવવા માટે રૂ. ૭૬ કરોડ ફાળવાયા છે. આ માર્ગોનો ઉપયોગ મુખ્યત્વે ભારે વાહનો, ઇન્ડસ્ટ્રીયલ યુઝ અને લંબા અંતરના ટ્રાન્સપોર્ટ માટે થાય છે.
આ પ્રોજેક્ટ્સથી કચ્છના ઊદ્યોગિક વિસ્તારને ઉમદા માર્ગ સુવિધા મળશે, એવું તંત્ર કહે છે. પણ, બીજી તરફ ગત વર્ષોથી ગાંધીધામથી માળીયા તરફ જતાં માર્ગ પર ભારે ટ્રાફિકજામની સમસ્યા યથાવત છે. પ્રતિદિન ખાસ કરીને પાટિયા, સાતેરા અને શાંતિપૂરા જેવા પોઈન્ટ્સ પર ટ્રક અને બસોનું લંબુ જથ્થો અટવાતું હોય છે, જેને કારણે સ્થાનિક લોકોને ઘંટાઓ સુધી રાહ જોવી પડે છે.
આ માર્ગ અત્યારે અમદાવાદ-વિરમગામ-માળીયા રૂટ હેઠળ શાંતિપૂરા થી ખોરજ સુધી રૂ. ૮૦૦ કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવા માટે મંજૂર થયો છે. જોકે, તાત્કાલિક ટ્રાફિક સમસ્યાને લઈ કોઈ વહીવટી નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે જ્યારે ડિપીઆર, ટેન્ડર અને કામની શરૂઆત થાય ત્યાં સુધી રાહદારીઓએ હજુ લાંબી રાહ જોવી પડશે.
કચ્છના ઉદ્યોગકારો માટે માળીયા પોર્ટ તરફ જતો માર્ગ ખૂબ જ મહત્વનો છે. પણ જ્યારે લોડેડ ટ્રક્સ, પાઈપલાઈન, સિમેન્ટ અને પોર્ટ મટિરિયલ લઈને વાહનો અડધો દિવસ ટ્રાફિકમાં અટવાય ત્યારે આખું વ્યવસ્થાપન અધૂરું લાગવા લાગે છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ વિવિધ નવી યોજનાઓ, એક્સપ્રેસ વે અને અંડરપાસ માટે ફંડ ફાળવી વિઝન દર્શાવ્યો છે, પરંતુ કચ્છમાં સ્થાનિક સ્તરે હાલની સમસ્યાઓ માટે ‘ટૂંકા ગાળાની કારગર યોજના’ જોઈતી છે. નહીં તો બાંધકામ પૂરું થાય ત્યાં સુધીના વર્ષોમાં રાહદારીઓ માટે માર્ગ યાત્રા વધુ યાતના બની રહેશે.