ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે અમદાવાદ સહિત દેશના 15 સ્થળો પર વહેલી સવારથી દરોડા પાડ્યા હતા. આ દરોડા EaseMyTripના સ્થાપક નિશાંત પિટ્ટીના પરિસર સહિત અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યા હતા.
EDના અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હી, મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ, ઈન્દોર, જયપુર, ચેન્નઈ અને સંભલપુર (ઓરિસ્સા) જેવા શહેરોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ ટીમોએ EaseMyTripના સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીના ઘરે પણ તપાસ કરી છે.
આ કેસ અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે, જેમાં છત્તીસગઢના ઘણા રાજકીય નેતાઓ અને અધિકારીઓની ગેરકાયદેસર બેટિંગ ઓપરેશનમાં સંડોવણીની આશંકા છે. ED અનુસાર, મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ એક ગેરકાયદે સિન્ડિકેટ છે જે નવા યુઝર્સને રજિસ્ટર કરાવવા, યુઝર આઈડી બનાવવા અને બેનામી બેંક ખાતાઓ દ્વારા કાળું નાણું સફેદ કરવાનું કામ કરે છે. એપના મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ હાલ દુબઈમાં છે.
મહાદેવ એપ પર થતી સટ્ટાબાજીના કરોડો રૂપિયાના હવાલા આંગડિયા પેઢીઓ મારફતે પાડવામાં આવતા હોવાની માહિતી મળ્યા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. તપાસમાં EaseMyTripના સંચાલક નિશાંત પિટ્ટી સહિત અનેક લોકોની સંડોવણી સામે આવી છે, જેઓ આ એપના રૂપિયાના હવાલા પાડવામાં મદદ કરતા હતા. આવા લોકોની વિગતો એકત્રિત કર્યા બાદ EDએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.