ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃકોંગ્રેસના યુવા નેતા નિતેશ પી. લાલન (માતંગ)એ મુખ્યમંત્રી, કચ્છ કલેકટર અને તમામ મામલતદારને રજૂઆત કરી છે કે કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા માત્ર અનુસૂચિત જાતિ તથા ચોક્કસ જ્ઞાતિના ગરીબ અને નાના-મધ્યમ વર્ગના લોકોને કારણ વગર દબાણ હટાવવાના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે તંત્ર જાણી જોઈને આ લોકોને ટાર્ગેટ કરી રહ્યું હોય તેવું લાગે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો તંત્રને ખરેખર દબાણ હટાવવાની કામગીરી કરવી જ હોય તો સત્તા પક્ષ અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા લોકો દ્વારા જાહેર રસ્તાઓ, ગામ અને શહેરના મુખ્ય બજારોમાં કરવામાં આવેલા અને જનતા તેમજ ટ્રાફિક માટે નડતરરૂપ મોટા દબાણો તેમજ ગૌચર અને પડતર જમીન પરના દબાણોને તાત્કાલિક દૂર કરવા જોઈએ.
નિતેશ લાલને વિનંતી કરી છે કે તંત્ર માત્ર દબાણના નામે ગરીબ અને નાના-મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવાનું બંધ કરે.