ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી અરિહંત નગર સોસાયટી પાછળની કેનાલ નજીક થયેલા ચકચારી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા કેટલાક સમયથી પોલીસની પકડથી દૂર રહેલો આરોપી ધીરજ કુમાર જગત નારાયણ બાથમ, જે મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે અને હાલમાં હૈદરાબાદમાં રહેતો હતો, તેને અંજાર પોલીસે આખરે ઝડપી પાડ્યો છે.

આ હત્યા ગત તા. ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારના સમયે બની હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક પાસેથી કિંમતી મોબાઇલ ફોન લૂંટવાના ઈરાદાથી ઇન્દ્રજીત સિંહ પહેલવાન સિંહ ગૂર્જર અને ધીરજે મળીને આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ઇન્દ્રજીત સિંહની ધરપકડ તો અગાઉ જ થઈ ગઈ હતી, પરંતુ ધીરજ પોલીસને સતત હાથતાળી આપી રહ્યો હતો, જેને હવે હૈદરાબાદથી પકડી લેવામાં આવ્યો છે.
દરમિયાન, પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ એક મોટી સફળતા હાથ લાગી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી વીસ વર્ષ પહેલાં થયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે દાયકાથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.
પકડાયેલા આરોપીનું નામ પપ્પુ સડીયાભાઈ બાબેરીયા છે, જે દાહોદ જિલ્લાના વડબારા ગામનો રહેવાસી છે. આટલા લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો આરોપી પોલીસની સતત મહેનત અને ચોક્કસ બાતમીના આધારે દાહોદ હાઇવે રોડ પર આવેલ કતવારા ગામ પાસેથી પકડાયો હતો.

આ બંને ઘટનાઓ દર્શાવે છે કે પોલીસને ગમે તેટલો સમય લાગે તો પણ ગુનેગારોને કાયદાના સકંજામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.