ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ IPL મૌસમમાં ક્રિકેટના સટ્ટાખોરો ફરી હરખમાં આવી ગયા છે, પરંતુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પણ તેમની સામે મજબૂત કવાયત શરૂ કરી દીધી છે. શહેરમાં બે અલગ અલગ જગ્યાએથી ઓનલાઇન IPL સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ ઘટના શહેરના બેન્કિંગ સર્કલ નજીક ડી.બી.ઝેડ. બેંક સામેની છે, જ્યાં અંજારના સવાસર નાકા વિસ્તારમાં રહેતા પુનિત નટવર ઠક્કર પોતાના મોબાઈલમાં Lotus વેબસાઈટ મારફતે IPL મેચ પર સટ્ટો રમતો હતો. આઈડી તે મુંબઇના લવ તન્ના પાસેથી મેળવી હતી અને પૈસા આંગડિયા મારફતે મોકલવાનો હતો. પોલીસે મોબાઈલ સાથે તેને ઝડપી લીધો અને રૂ.15,000ની કિંમતનો મોબાઇલ જપ્ત કર્યો.
બીજી ઘટના મસાલા માર્કેટ, ગુરુદ્વારા સામેની છે, જ્યાં હાર્દિક રસિક ઠક્કર (રહે. ડી.સી.પાંચ, આદિપુર) “Charlie” વેબસાઇટ દ્વારા સટ્ટો રમતો હતો. આઈડી તે ગાંધીધામના ભરત અખાણી પાસેથી ખરીદી હતી અને તેને રોકડ ચૂકવતો હતો. આરોપીથી મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે. ભરત અખાણી સામે તપાસ ચાલુ છે.