ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ વચ્ચે, હવે પ્રદેશ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પાર્ટી નેતૃત્વ સક્રિય થયું છે. ગુજરાત સહિત પાંચ મોટા રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચેની બેઠક બાદ, એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મે મહિનાની શરૂઆતમાં થઈ શકે છે. ભાજપના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે ૧૯ રાજ્યોમાં ચૂંટણી જરૂરી છે. અત્યાર સુધી ૧૪ રાજ્યોમાં ચૂંટણી થઈ ચૂકી છે, પરંતુ પાંચ રાજ્યોમાં ચૂંટણી બાકી છે, જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઓડિશાનો સમાવેશ થાય છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આ પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના નામ પર ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં જ આ રાજ્યોમાં અધ્યક્ષોના નામ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ, પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી પ્રેસ કોન્ફરન્સ યોજીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે.
ગુજરાતમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ, વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંકેત આપ્યા હતા કે પાર્ટીને ટૂંક સમયમાં જ નવા અધ્યક્ષ મળશે, જેમના નેતૃત્વમાં આગામી ચૂંટણીઓ લડાશે. ગુજરાતમાં ઓબીસી નેતાને અધ્યક્ષ પદ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરે ચાલી રહેલા આ મંથન વચ્ચે, ભાજપ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવાનું રહેશે.