ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસના નબળા સંગઠનથી વાકેફ રાહુલ ગાંધીએ સૌપ્રથમ સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના ભાગરૂપે, મંગળવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખોની પસંદગી માટે નિરીક્ષકોને વિશેષ કાર્ય સોંપ્યું છે.
પ્રદેશના ચાર અને રાષ્ટ્રીય કક્ષાના એક સહિત પાંચ નિરીક્ષકોની ટીમ 23 એપ્રિલથી 8 મે સુધીમાં દરેક જિલ્લાની મુલાકાત લેશે. તેઓ ત્રણ દિવસ સુધી જિલ્લામાં રોકાણ કરીને સર્વસંમતિથી છ ઉમેદવારોની પેનલ તૈયાર કરશે અને પ્રદેશ સમિતિને સોંપશે. પ્રદેશના નેતાઓ આ પેનલમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને મંજૂરી માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને મોકલશે.
રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા, કોંગ્રેસ પક્ષ જિલ્લા સ્તરે મજબૂત નેતૃત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી 2027ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને સારો દેખાવ કરવામાં મદદ મળી શકે.