ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે, પરંતુ તેની સાથે સાયબર ક્રાઈમના બનાવો પણ વધી રહ્યા છે. ભુજના એક નાના વેપારી સાથે તાજેતરમાં બનેલી ઘટનાએ બેંક ખાતાના ગેરઉપયોગથી સાવધાન રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વેપારીનું બેંક ખાતું અચાનક ફ્રીઝ થઈ ગયું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ખાતામાં ફ્રોડના નાણાં આવ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. તેઓ ડિજિટલ પોકેટમાર અથવા ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ઓનલાઈન નાણાં પડાવે છે. જ્યારે આવી ફરિયાદો પોલીસ સુધી પહોંચે છે, ત્યારે પોલીસ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે તપાસ શરૂ કરે છે. ફ્રોડના નાણાં કયા ખાતામાંથી કયા ખાતામાં ટ્રાન્સફર થયા તેની માહિતી મેળવીને પોલીસ તે તમામ ખાતા ફ્રીઝ કરવા માટે બેંકને ભલામણ કરે છે. અગાઉના કેસોમાં એવું પણ સામે આવ્યું છે કે આવા ઠગબાજો ભાડેથી બેંક ખાતા મેળવે છે.
ભુજના તાજેતરના કિસ્સામાં, એક નાના વેપારીનું ખાતું ફ્રીઝ થતાં તેઓ બેંકમાં દોડી ગયા હતા. બેંક અધિકારીઓએ જણાવ્યું કે તેમના ખાતામાં ફ્રોડના પૈસા આવ્યા હોવાથી ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે અને તેને ફરીથી શરૂ કરવા માટે સાયબર પોલીસનો અભિપ્રાય લેવો પડશે. આથી વેપારીની મુશ્કેલી વધી ગઈ છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, વેપારીના પુત્રનો તેમને ફોન આવ્યો અને કહ્યું કે તેના મિત્ર પાસે એટીએમ કાર્ડ નથી, તેથી તેણે ઓનલાઈન તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે અને તે પૈસા તેણે વેપારીના ખાતામાં નાખ્યા છે. પુત્રએ વેપારીને એટીએમમાંથી પૈસા ઉપાડીને તેને આપવાનું કહ્યું. જ્યારે વેપારી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમનું ખાતું ફ્રીઝ થઈ ગયું હતું. સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે રાજ્ય બહાર કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી અને તે સંબંધિત નાણાં વિવિધ ખાતાઓ દ્વારા ફરતા ફરતા આ વેપારીના ખાતામાં પહોંચી ગયા હતા.
આ બનાવ ભલે નાનો હોય, પરંતુ તે સામાન્ય લોકો માટે એક ચેતવણીરૂપ છે. ડિજિટલ ઠગબાજો હવે આવી નવી રીતો અપનાવી રહ્યા હોવાથી દરેક વ્યક્તિએ પોતાના બેંક ખાતાનો દુરુપયોગ ન થાય તે માટે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે. અજાણ્યા લોકો સાથે ઓનલાઈન નાણાકીય વ્યવહાર ટાળો અને તમારા બેંક ખાતાની માહિતી કોઈને પણ ન આપો.