ગાંધીધામ: પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગરૂપે, એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી.
આ સ્પેશિયલ ટીમમાં સામેલ પીએસઆઈ એસ.જે.પઢારની ટીમને એક મોટી સફળતા મળી છે. ટીમે 25 વર્ષથી નાસતા ફરતા આરોપી વિસ્યાંગ કશ્યપભાઈ બક્ષી (રહે. ભુજ)ની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આરોપી ગુનો કર્યા બાદ મુંબઈ, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં છુપાઈને ફરતો હતો.
પીએસઆઈ એસ.જે.પઢારની ટીમે અંજાર અને ભુજ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીના ઠેકાણાની માહિતી મેળવવામાં આવી હતી. ટીમે સતત પીછો કરીને આખરે આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપી વિસ્યાંગ કશ્યપભાઈ બક્ષીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસની આ સફળ કામગીરી બદલ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.