ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે વધુ એક કડક પગલું ભર્યું છે. ભારતે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનને મળતું ચિનાબ નદીનું પાણી અટકાવી દીધું છે. કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારતથી એક પણ ટીપું પાણી પાકિસ્તાન નહીં જવા દેવાય તેવી રણનીતિ પર સરકાર કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960ની સિંધુ જળ સંધિ હેઠળ સિંધુ અને તેની સહાયક નદીઓનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચાયેલું છે. સંધિ અનુસાર ચિનાબ અને અન્ય પશ્ચિમી નદીઓનું પાણી મુખ્યત્વે પાકિસ્તાનને મળે છે, જ્યારે ભારતને તેના મર્યાદિત ઉપયોગનો અધિકાર છે. પરંતુ પહલગામના આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને પોતાના હિતો વિરુદ્ધ ગણાવીને આ કડક નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સતત સમર્થન અને સરહદ પારથી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાના કારણે આ પગલું જરૂરી બન્યું છે.
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાની અસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સિયાલકોટમાં મરાલા હેડવર્કસના સ્થાનિકોએ ચિનાબ નદીમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યાના અહેવાલ આપ્યા છે. ચિનાબ નદી પાકિસ્તાનની ખેતી અને પીવાના પાણીના પુરવઠા માટે અત્યંત મહત્વની છે. ભારતના આ પગલાથી પાકિસ્તાનમાં જળ સંકટ ઘેરાઈ શકે છે.