ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં અનુભવાયેલા ભૂકંપના આંચકા બાદ ગાંધીધામ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. શહેર અને આદિપુરમાં આવેલી જર્જરિત ઇમારતોને લઈને તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીધામ અને આદિપુરના જોડિયા શહેરોમાં અંદાજે 15થી વધુ ઇમારતો જર્જરિત હાલતમાં છે, જે અંગે અગાઉ નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, આદિપુરના ટુ-બી વિસ્તારમાં આવેલી એક શાળા પાસેનું એપાર્ટમેન્ટ અત્યંત જોખમી હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. મોટાભાગે ખાલી પડેલી આ ઇમારત આસપાસના લોકો અને બાળકો માટે મોટો ખતરો બની શકે છે. આથી, મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ તાત્કાલિક નોટિસ પાઠવીને આ જર્જરિત ઇમારતને સાત દિવસની અંદર તોડી પાડવાનો આદેશ કર્યો છે.
તો બીજી તરફ, ગાંધીધામના વોર્ડ 10-એ વિસ્તારમાં આવેલી એક અન્ય જર્જરિત ઇમારત પણ આસપાસના રહેવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. તંત્રએ કોઈપણ દુર્ઘટના બને તે પહેલાં આ બિલ્ડિંગને સાત દિવસમાં ખાલી કરીને તોડી પાડવા માટે નોટિસ આપી છે.
જોડિયા શહેરોમાં આવેલી અન્ય 15 જેટલી જર્જરિત ઇમારતોને પણ જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા આ તમામ મિલકતોને તાત્કાલિક ઉતારી લેવા અથવા તો તેનું સમારકામ કરાવવાની સૂચના આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ જાનમાલનું નુકસાન થશે તો તેના માટે મિલકતનો કબજો ધરાવનાર વ્યક્તિ જવાબદાર રહેશે.
ગાંધીધામની સરકારી કચેરીઓની હાલત પણ ખસ્તા
ગાંધીધામ સંકુલમાં આવેલી સરકારી કચેરીઓની ઇમારતો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સહિતની ઇમારતોની હાલત એટલી ખરાબ છે કે પંચાયતના કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા અને ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી જેવી સંસ્થાઓ કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.