પહેલગામ હુમલાની અસર: ચારધામ યાત્રાના ગુજરાતી બુકિંગમાં 50% ઘટાડો

પહેલગામ હુમલાની અસર: ચારધામ યાત્રાના ગુજરાતી બુકિંગમાં 50% ઘટાડો પહેલગામ હુમલાની અસર: ચારધામ યાત્રાના ગુજરાતી બુકિંગમાં 50% ઘટાડો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરની મુલાકાતે જવાનું મોટાભાગનું બુકિંગ રદ થયું છે, કારણ કે પ્રવાસીઓમાં ડરનો માહોલ છે. હવે આ હુમલાની અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે ગુજરાતમાંથી ચારધામ યાત્રા માટેના બુકિંગમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઘણા ગુજરાતી યાત્રાળુઓએ પોતાની યાત્રા મુલતવી રાખી છે. આ સ્થિતિને લીધે ગુજરાતી ટૂર ઓપરેટરો ઉનાળુ વેકેશનની સિઝનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતી પ્રવાસીઓ હવે કેરળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ જેવા સ્થળો તરફ નજર દોડાવી રહ્યા છે. ઘણા લોકોએ ઉનાળુ વેકેશનમાં કાશ્મીર જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના કાશ્મીર ટૂર પેકેજ રદ થયા છે. બીજી તરફ, મે અને જૂનમાં શરૂ થનારી ચારધામ યાત્રા પર પણ પહેલગામ હુમલાની અસર દેખાઈ રહી છે.

સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાંથી લગભગ 25 હજાર યાત્રાળુઓ ચારધામ યાત્રાએ જાય છે. દિલ્હીથી શરૂ થતા 12 દિવસના ચારધામ યાત્રાના ટૂર પેકેજનો ખર્ચ 45 હજારથી 50 હજાર રૂપિયા સુધીનો હોય છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચારધામ યાત્રાના બુકિંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે. લોકોમાં ડરનો માહોલ છે અને યુદ્ધની શક્યતાને લઈને પણ ચિંતા પ્રવર્તી રહી છે. ઘણા લોકો એવું વિચારી રહ્યા છે કે કદાચ યાત્રા અધવચ્ચેથી જ છોડીને પાછા ફરવું પડે. આ સંજોગોને જોતા ગુજરાતીઓ હાલ પૂરતું ચારધામ યાત્રાએ જવાનું ટાળી રહ્યા છે અને નવા બુકિંગ લગભગ બંધ થઈ ગયા છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચારધામ યાત્રાએ જનારા યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. અનુમાન છે કે આ વર્ષે માંડ ચારથી પાંચ હજાર જેટલા યાત્રાળુઓ ગુજરાતમાંથી ચારધામ યાત્રાએ જઈ શકે છે. આ સ્થિતિને કારણે ગુજરાતના ટૂર ઓપરેટરોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *