ગાંધીધામ ટુડે, ન્યૂઝ : એસ.આર.સી દ્વારા ગાંધીધામ-આદિપુરમાં રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ કરનારાઓ સામે લીધેલા આકરા પગલાંથી ખળભળાટ મચી ગયો છે. એસ.આર.સી.એ એક સાથે 61 જેટલી લીઝ રદ કરતાં શહેરના આર્થિક અને વેપાર જગત પર ગંભીર સંકટ ઊભું થયું છે.
એસ.આર.સી. દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરનારા 61 મકાનમાલિકોને નોટિસ પાઠવીને છ મહિનામાં લીઝ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીના પગલે ટાગોર રોડ પર આવેલી હોટેલ અરમાયા અને ચામુંડા રેસ્ટોરેન્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આદિપુરના મૈત્રી રોડ પર આવેલી મોટાભાગની દુકાનોને પણ મકાનમાલિકો દ્વારા ખાલી કરાવવાની સૂચના આપવામાં આવી હોવાના અહેવાલો છે. જેના કારણે લાખો રૂપિયાનું રોકાણ કરીને શો-રૂમ અને અન્ય પ્રતિષ્ઠાનો શરૂ કરનારા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નોંધનીય છે કે આ કોમર્શિયલ બાંધકામોમાં મોટાભાગનું રોકાણ ભાડુઆતો દ્વારા કરવામાં આવ્યું છે, જે હવે બેરોજગાર થવાની ભીતિ અનુભવી રહ્યા છે.
એસ.આર.સી. દ્વારા છ મહિનાનો સમય આપવામાં આવ્યો હોવા છતાં, તાત્કાલિક ધોરણે એકમો બંધ થતાં સેંકડો લોકોની રોજગારી પર સવાલ ઊભા થયા છે અને વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીથી આ 61 જમીનો પર થયેલા ઔદ્યોગિક બાંધકામ અને કરોડો રૂપિયાના મૂડીરોકાણ પર પણ અસર પડવાની સંભાવના છે. આ ઘટનાક્રમે ગાંધીધામ-આદિપુરના વેપાર જગતમાં એક ભૂકંપ જેવી સ્થિતિ સર્જી દીધી છે.