વરસામેડી હત્યા કેસ ઉકેલાયો: નાના ભાઈની હત્યા મોટા ભાઈએ કરી

વરસામેડી હત્યા કેસ ઉકેલાયો: નાના ભાઈની હત્યા મોટા ભાઈએ કરી વરસામેડી હત્યા કેસ ઉકેલાયો: નાના ભાઈની હત્યા મોટા ભાઈએ કરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારના વરસામેડી સીમમાં વેલસ્પન કંપનીની પતરા કોલોની પાછળ ગત તા. ૨૬/૪ ના રોજ યુવાન વિનયકુમાર યાદવની તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ રહસ્યમય હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે આ ગુનામાં મૃતકના સગા મોટા ભાઈને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે.

અંજાર પીઆઈ એ.આર.ગોહિલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોલીસને તા. ૨૬/૪ ના રોજ વરસામેડી સીમમાં વેલસ્પન કંપનીની પાછળના ખેતરમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ હતી. પ્રોબેશનલ આઈપીએસ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક વિનયકુમાર યાદવને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું.

પોલીસે જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી હતી. આ માહિતી અનુસાર, વિનયકુમારની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો સગો મોટો ભાઈ અજયકુમાર અયોધ્યાપ્રસાદ યાદવ (રહે. ઝારખંડ) હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તાત્કાલિક એક ટીમ મોકલી આરોપી અજયકુમારને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી અજયકુમારે ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેના અને તેના નાના ભાઈ વિનયકુમાર વચ્ચે વેલસ્પન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ ચાલતું હતું. અજયકુમાર વતનમાંથી શ્રમિકો મોકલાવતો હતો, પરંતુ વિનયકુમાર તેને તેના ભાગના રૂપિયા અને ધંધામાં રોકાણ કરેલા પૈસા આપતો ન હતો. એટલું જ નહીં, વિનયકુમારે તેને ધંધામાંથી પણ કાઢી મૂક્યો હતો. આ મનદુઃખના કારણે અજયકુમારે પોતાના ભાઈની હત્યા કરી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કર્યા બાદ આરોપી અજયકુમાર અમદાવાદ જતો રહ્યો હતો. જ્યારે પોલીસે મૃતક વિનયકુમારના મોટા ભાઈ તરીકે અજયકુમારને જાણ કરી ત્યારે તેણે વતનથી નીકળવાની વાત કરી હતી. પરંતુ પોલીસની સઘન તપાસમાં આ હત્યા તેણે જ કરી હોવાનું પુરવાર થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *