ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ પોલીસે એક વણઉકેલ્યા લૂંટના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, પૂર્વ-કચ્છ (ગાંધીધામ) દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને દાખલ થયેલા ગુનાઓ શોધવા માટે સૂચના આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા, ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ફરિયાદી જયદીપભાઈ ગોરધનભાઈ ચીકાણી (રહે. ભવાનીપુર, ભચાઉ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ કનકસુરી અહીસાધામથી આગળ કેનાલ પરના સર્વિસ રોડ પર હતા, ત્યારે ત્રણ અજાણ્યા માણસોએ તેમને છરી મારીને તેમનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આ ઘટના ૧ મે, ૨૦૨૫ના રોજ બની હતી અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦૪૨૫૦૩૪૬/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૯૪(૬), ૫૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એ. જાડેજાએ તપાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જે. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ તથા સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદથી ગુનો શોધી કાઢવા માટે સૂચના આપી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી વિક્રમ ઉર્ફે લાલો લક્ષ્મણભાઈ કોલી, ઉંમર ૨૬ વર્ષ, રહેવાસી કોલીયાસરી, ભચાઉ, સંજય દેવાભાઈ કોલી, ઉંમર ૨૦ વર્ષ, રહેવાસી રોટરી ક્લબ, ભચાઉ, નરપત ઉર્ફે ભાવેશ કરશનભાઈ કોલી, ઉંમર ૧૯ વર્ષ, રહેવાસી રબારીવાસ, ભચાઉને પકડી પાડ્યા હતા અને લૂંટમાં ગયેલો મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલી છરી અને મોટરસાયકલ કબજે કર્યા હતા.
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.