ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના પડાણા ગામના કુખ્યાત બુટલેગર મનુભા વાઘેલાએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ જ્યારે તેના ઘરે દારૂની રેડ કરવા ગઈ ત્યારે આ ઘટના બની હતી. આરોપીએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઘટનાની વિગતો અનુસાર, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી કે પડાણાના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વીઠુભા વાઘેલાનો માણસ જયપાલસિંહ ઉર્ફે શિવમ્ ફતુભા જાડેજા મીની પંજાબી હોટલના પાર્કિંગ પાસે મોપેડ પર દારૂનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે જયપાલસિંહ એક અજાણ્યા વ્યક્તિને બિયરના ટીન આપતો જોવા મળ્યો હતો. પોલીસને જોઈને જયપાલસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે બિયર ખરીદનાર એક કિશોર હતો.
પોલીસ આ કાર્યવાહી પૂરી કરીને પોલીસ સ્ટેશન પરત ફરી રહી હતી, ત્યારે જવાહરનગર પુલ પાસે સર્વિસ રોડ પર એક સિલ્વર કલરની અલ્ટો ગાડી પુરપાટ ઝડપે આવી અને પોલીસની ગાડીની આગળ ઊભી રહી ગઈ. તેમાંથી લિસ્ટેડ બુટલેગર મનુભા વાઘેલા બહાર આવ્યો અને ગાડીના કાચ ખખડાવવા લાગ્યો. ડ્રાઈવરે દરવાજો ખોલતા જ આરોપીએ કહ્યું કે, “મારા માણસ જયપાલસિંહે જે વ્યક્તિને બિયરના ટીન આપ્યા છે, તેને ગાડીમાંથી નીચે ઉતારો, નહીંતર હું તમને જવા નહીં દઉં.” મનુભા ગુસ્સે થઈને બોલવા લાગ્યો કે, “તમે મારો માલ કેમ પકડ્યો છે?” તેમ કહી તેણે કિશોરને બળજબરીથી ગાડીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બળપ્રયોગ કરતા આરોપી મનુભા વાઘેલાએ ધમકી આપી કે, “આજે તમે મારા પર કેસ કરશો, પરંતુ જો તમે બીજી વાર પડાણા આવશો તો હું તમને ગાડીથી ઉડાવી દઈશ.” ત્યારબાદ પોલીસે મનુભાની અટકાયત કરી અને તેની ગાડી જપ્ત કરી હતી. હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ તખ્તસિંહ જાડેજાએ ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી હતી. બી-ડિવિઝન પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.