ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સ્થાવર મિલકત ખરીદ-વેચાણમાં કાળા નાણાને અટકાવવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું ભરી ચૂક્યું છે. હવે જો કોઈ મિલકતના વેચાણ દસ્તાવેજમાં રૂ. 2 લાખ કે તેથી વધુ રકમનો રોકડ વ્યવહાર દર્શાવવામાં આવે છે, તો તેની જાણ આવકવેરા વિભાગને કરવી ફરજીયાત રહેશે. જો આ માહિતી છુપાવવામાં આવે તો કાયદેસર કાર્યવાહી થશે.
નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, મિલકતના દસ્તાવેજોમાં જો રૂ. 2,00,000 અથવા તેથી વધુ રકમ રોકડમાં ચૂકવવામાં આવી હોય, તો સંબંધિત સબ-રજિસ્ટ્રાર એ માહિતી તાત્કાલિક આવકવેરા અધિકારીને આપવી પડશે.
આ પરિપત્ર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક અરજીના સંદર્ભમાં બહાર પાડવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, જો આવકવેરા વિભાગને તપાસ દરમિયાન કે અન્ય રીતે 2 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહાર અંગે જાણ થાય, અને નોંધણી અધિકારીએ આ જાણ ન કરી હોય, તો તેની જાણ રાજ્યના મુખ્ય સચિવને કરીને જવાબદારી નિભવનાર અધિકારી સામે પગલાં લેવાશે.
પરિપત્રમાં એ પણ જણાવ્યું છે કે મિલકતના દસ્તાવેજમાં જો રોકડ રકમનો ઉલ્લેખ થાય તો દસ્તાવેજનો પ્રકાર, ચુકવણીની વિગત, અને લેનાર-આપનારની માહિતી આવકવેરા વિભાગને મોકલવી જરૂરી છે. આ નિયમોનો ભંગ કરનાર સબ-રજિસ્ટ્રાર સામે પણ શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ નવી વ્યવસ્થા દ્વારા કાળા નાણાંના રોકાણ પર લગામ લગાવવાનો સરકારનો હેતુ છે અને મિલકત વ્યવહારમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.