ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ભારત પાકિસ્તાન સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. એવામાં બાબા રામદેવે કહ્યું છે કે, ‘હવે પાકિસ્તાન અને કરાચીમાં ગુરુકુળ બનાવવાની જરૂર છે.’ યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર ગણાવીને તેના પર નિશાન સાધ્યું છે. ?
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, ‘મને લાગે છે કે થોડા દિવસોમાં આપણે કરાચી અને લાહોરમાં ગુરુકુળ બનાવવું પડશે. પાકિસ્તાન પોતાની મેળે જ વિખેરાઈ જશે. પશ્તુન અને બલૂચિસ્તાનના લોકો તેમની સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હાલત વધુ ખરાબ છે. તેની પાસે ભારત સામે લડવાની તાકાત નથી. તે યુદ્ધમાં ચાર દિવસ પણ ભારત સામે ટકી શકે તેમાં નથી. આવી સ્થિતિમાં, તેની પાસે ભારત સામે લડવાની તાકાત ક્યાં છે?’
આ પહેલા બાબા રામદેવે સનાતન અને બંધારણ પર વાત કરી હતી અને કહ્યું હતું કે આપણી પાસે લોકશાહી બંધારણ છે, અમને તેના પર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ અમે આપણા સનાતનને પણ માન આપીએ છીએ. એટલા માટે અહીં કોઈ સંઘર્ષ નથી. એક તરફ આપણો વૈદિક ધર્મ સર્વોચ્ચ છે અને બીજી તરફ રાષ્ટ્રીય ધર્મ પણ સર્વોચ્ચ છે.’