ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના એમ.આઈ.જી.-૧૧૫/૪૮ જી.એચ.બી – કે.એફ.ટી.ઝેડ સર્વેશ્વર મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો ટાંકો બનાવવાના પ્રસ્તાવ સામે સ્થાનિક રહીશોએ સખત વિરોધ નોંધાવ્યો છે. આ અંગે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિતમાં અરજી કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ગ્રાઉન્ડ પર વર્ષોથી સર્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને એમ.આઈ.જી.-૧૧૫ તથા ૪૮ના રહીશો દ્વારા તેની આસપાસ ચારેતરફ બાઉન્ડ્રી વોલ અને ગેટ બનાવવામાં આવ્યા છે, જેની જાળવણી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રાઉન્ડનો ઉપયોગ સવાર-સાંજ રહીશો રમવા માટે અને વડીલો બેસવા માટે કરે છે. મંદિરમાં હિન્દુ ધર્મના તમામ તહેવારોની ઉજવણી થાય છે, જેમાં નવરાત્રિ અને ગણેશ ચતુર્થી મુખ્ય છે. મંદિરની પાછળની જગ્યાનો ઉપયોગ આ વિસ્તારના આશરે ૮૦૦ ઘરોના લોકો શુભાશુભ પ્રસંગો માટે કરે છે.
રહીશોએ અગાઉ તા. ૦૯-૦૪-૨૦૨૪ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિતમાં ટાંકો ન બનાવવા માટે અરજી આપી હતી. ત્યારબાદ તા. ૦૬-૦૨-૨૦૨૫ના રોજ માપણી કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા, જેના વિરોધમાં તા. ૦૭-૦૨-૨૦૨૫ના રોજ સ્થાનિકોએ મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિતમાં અરજી આપી હતી. અધિકારીઓએ તપાસ કરી લેખિતમાં જવાબ આપવાનું જણાવ્યું હતું, પરંતુ બે મહિના વીતવા છતાં કોઈ જવાબ મળ્યો નથી.
હાલમાં તા. ૦૫-૦૫-૨૦૨૫ના રોજ ફરીથી ટાંકો બનાવવા માટે પાલિકાના માણસો આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. પાલિકા દ્વારા બતાવાયેલ લેટરપેડ સ્થાનિકો દ્વારા આપવામાં આવ્યું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના પર વિસ્તારના પ્રમુખના સહી-સિક્કા પણ નથી. આ જગ્યા સ્થાનિક સર્વેશ્વર મહાદેવ મંદિર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ.આઈ.જી.-૧૧૫ની જાહેર જગ્યા હોવાથી તેનો ઉપયોગ સ્થાનિકોના હિતમાં થતો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મેદાન ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માટે ઉપયોગી છે અને તેના પર ટાંકો બનાવી મંદિર અને મેદાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

રહીશોએ રેરાના કાયદાનો પણ ઉલ્લેખ કર્યો છે, જે મુજબ રહેણાંક વિસ્તારના વિકાસ સમયે પ્લે ગ્રાઉન્ડ, ધાર્મિક અને સામાજિક કાર્યો તેમજ બાગ-બગીચા માટે જગ્યા ફાળવવાની જોગવાઈ છે. સર્વેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુની જગ્યા પણ તે નિયમ અનુસાર સ્થાનિકો માટે ફાળવવામાં આવેલી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ સોસાયટી બનાવતી વખતે આ જ હેતુ માટે જમીન ફાળવી હતી, જેમાં સ્થાનિકોની સહમતી વિના ફેરફાર થઈ શકે નહીં.
તેથી, એમ.આઈ.જી.-૧૧૫/૪૮ વિસ્તારના તમામ રહીશોએ આ જગ્યા પર પાણીનો ટાંકો ન બનાવવા અને અન્ય યોગ્ય જગ્યાએ બનાવવા માટે અરજી કરી છે. ગાંધીધામ મહાનગરપાલિકાની હદમાં અન્ય ઘણી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવાથી સ્થાનિકોએ તેમના વિસ્તારમાં ટાંકો ન બનાવવા માટે દયાભરી અપીલ કરી છે.